નવલી નવરાત્રીના બીજા નોરતે ભુજના માર્ગો પર શાળાની છાત્રાઓએ સાઇકલ રેલી કાઢીને જિંદગીના રિસાયકલિંગનો પ્રચાર કરી એક પ્રેરક સંદેશ સમાજમાં વહેવડાવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલના સમયમાં વાહનોના બેહદ વપરાશને લીધે વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન હદ વળોટી ગયું છે ત્યારે બાળપણથી જ જો સાઇકલ ચલાવવાની ટેવ યુવા પેઢીને પાડવામાં આવે તો તેના અનેક ફાયદાઓ થાય એમ છે. પેટ્રોલ-ડિઝલની બચત સાથે સાઇકલ ચલાવવાથી મેદસ્વિતા પણ ઘટે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. એ જ રીતે મૃત્યુ બાદ જો અંગદાન અંગે જાગૃતિ કેળવાય તો એક વ્યક્તિ ૮ વ્યક્તિઓની જિંદગી બચાવી શકવા ઉપરાંત ૧૦૦થી વધુ વ્યક્તિઓની જિંદગીમાં બદલાવ લાવી શકે છે.
આ જ મુદ્દાને આગળ ધરી ભુજના જાયન્ટસ ગ્રુપ, માતૃછાયા ક્ધયા વિદ્યાલય અને ઇન્દ્રાબાઇ સ્કૂલ તેમજ મીડિયા પાર્ટનર દિવ્ય ભાસ્કરના સંયુકત ઉપક્રમે સાઇકલ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં જોડાયેલી ૨૨૫ છાત્રાઓએ પર્યાવરણ જાગૃતિની સાથે અંગદાન અંગેનાં બેનરો પ્રદર્શિત કરી જનજાગૃતિ ફેલાવી હતી. ઘાસવંડીથી શરૂ થઇ થયેલી રેલી છઠ્ઠીબારી, હમીરસર, સ્વામીનારાયણ મંદિર રોડ થઇ જ્યુબિલી ગ્રાઉન્ડ, હૉસ્પિટલ રોડ, લાલ ટેકરી થઇ માતૃછાયા ક્ધયા વિદ્યાલયમાં વિરામ પામી હતી.