અડધી કેપેસીટી સાથે દોડશે ટ્રેન; યાત્રિકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ફરજીયાત
કોરોના મહામારી વચ્ચે ફરીથી ટ્રેનો શરૂ થઈ રહી છે ત્યારે આઈઆરસીટીસીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ટુંક સમયમાં પુરી તકેદારી સાથે મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ એકસપ્રેસ સીરીઝની ટ્રેન શરૂ કરવા જઈ રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરતાં દરેક પ્રવાસીને ફેસ શિલ્ડ, માસ્ક, ગ્લવ્ઝ વગેરેની મેડીકલ સેફટી કીટ આપવામાં આવશે. ટ્રેનમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય તે માટે આ ટ્રેનો અડધી કેપેસીટી સાથે શરૂ કરવામાં આવશે.
2020નાં જાન્યુઆરીમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી તેજસ એકસપ્રેસ હવે ફરીથી શરૂ થવા જઈ રહી છે. ભારતીય રેલ્વેએ ઓકટોબરના મધ્યથી મુંબઈ-અમદાવાદની સાથે નવી દિલ્હી-લખનૌ વચ્ચે તેજસ એકસપ્રેસ ટ્રેનો દોડાવવાની મંજુરી આપી છે. આ ટ્રેનો માર્ચમાં લોકડાઉન શરૂ થયું ત્યારથી બંધ કરવામાં આવી હતી.
મુંબઈ-અમદાવાદ ટ્રેનની કોમર્શિયલ સર્વિસ 9 જાન્યુઆરી 2020થી શરૂ થઈ હતી. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડતી હતી. જયારે ગુરૂવારે મેઈન્ટેનન્સ માટે ટ્રેન સર્વિસ બંધ રાખવામાં આવતી હતી.
રેલ્વે બોર્ડે મધ્ય ઓકટોબરથી ટ્રેનની કામગીરી શરૂ કરવાની પરવાનગી આપી છે. જો કે હજુ સુધી કોઈ તારીખ નકકી થઈ નથી. આ ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા તમામ લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ હોવી ફરજીયાત છે તેમજ તમામના થર્મલ ચેકઅપ કરાવવા માટે રેલ્વે સ્ટેશને સમય કરતાં વહેલાં પહોંચવાનું રહેશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ટ્રેનમાં કોવિડ 19ની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે. તમામ મુસાફરીની શરૂઆતમાં અને પછી સમગ્ર ટ્રેન સેનેટાઈઝ કરવામાં આવશે.