ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર, ઉત્તર પૂર્વના પવનથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ : 173 જળાશય હાઇ એલર્ટ ૫ર
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જે 24 કલાકમાં ડિપ્રેશનમાં બદલી શકે છે. જેથી સમુદ્ર ગાંડોતુર થવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ અપાયું છે.
હવામાન વિભાગ તરફથી અપાયેલી માહિતી મુજબ ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે, આ કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ત્યારે જ અગાઉ 15થી 17 ઓકટોબર દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેમાં તા.16 અને 17 ઓકટોબર સુધી સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી.
બીજી તરફ સિંચાઇ વિભાગની માહિતી મુજબ, હાલ રાજ્યના 173 જળાશયો હાઈ-એલર્ટ પર છે. જ્યારે 10 જળાશયો પર એલર્ટ છે. કેવડિયાના સરદાર સરોવર (નર્મદા ડેમ) માં 2, 93, 503 એમ.સી.એફ.ટી પાણી છે. જે કુલ સંગ્રહશકિતના 87.85 ટકા છે. રાજયના 205 જળાશયોમાં 5.35.298 એમ.સી.એફ.ટી પાણી છે, જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે.