રાજ્યમાં ત્રણ મહિના પછી પ્રથમ વખત નવા કેસની સંખ્યા 1000ની નીચે :કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન તથા સીનીયર અધિકારીઓની ગુજરાત સરકાર સાથે સમીક્ષા બેઠક: તહેવારો-શિયાળા પૂર્વે અનેકવિધ સુચના
ગુજરાતમાં ત્રણેક મહિનાના સમયગાળા બાદ કોરોનાના નવા કેસોની સંખ્યા 1000થી નીચે નોંધાઇ છે, જ્યારે કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને રાજ્યની પરિસ્થિતિ વિશે સમીક્ષા બેઠક યોજી હતી. તહેવારો તથા શિયાળો પડકારરૂપ બનવાની આશંકાને પગલે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
નવરાત્રીના તહેવારો શરૂ થઇ જ ગયા છે, આવતા મહિનામાં દિપાવલી તહેવારો આવશે સાથોસાથ શિયાળાના પગરણ થશે. તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળશે, શિયાળામાં કોરોનાના નવા વેવની આશંકા છે જ્યારે ગુજરાત સરકારે ઘડેલા આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા જીલ્લા કલેકટરોની હાજરીમાં આ વીડીયો કોન્ફરન્સમાં ગુજરાતનું કોરોના ચિત્ર પેશ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું કે તહેવારો ટાણે ગુજરાતના કોરોના ચિત્ર વિશે પ્રથમ સમીક્ષા બેઠક થઇ હતી, કોરોના પરિસ્થિતિનું વિસ્તૃત રીતે પૃથ્થકરણ કરવાનો ઉદેશ હતો. કોરોના નિયમોનું પાલન કરાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો, ગુજરાતમાં કોરોનાની હાલત પ્રારંભિક મહિનાઓમાં ખરાબ હતી, પરંતુ હવે તબક્કાવાર સારી થઇ ગઇ છે. સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ સાવચેતી જ શ્રેષ્ઠ રસ્તો હોવાનું સુચવ્યું હતું.
નેશનલ સેન્ટર ફોર ડીસીઝ ક્ધટ્રોલના ડાયરેકટર ડો. સુજીતસિંઘે વિસ્તૃત રીપોર્ટ રજાુ કર્યો હતો. ગુજરાતના કુલ કેસ, રિકવરી કેસ, મૃત્યુઆંક, ટેસ્ટીંગ વગેરેની આંકડાકીય વિગતો પેશ કરી હતી, સંક્રમણને રોકવા માટેની રણનીતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત ફકત ઉપલબ્ધ થવાના અંદાજ તથા સંભવિત ફાળવણી વિશે પણ સુચવાયું હતું. ગુજરાતમાં કેટલાંક દિવસોથી કોરોના સંક્રમણ ઘટના વચ્ચે કેન્દ્ર સરકારે કરેલી સમીક્ષા સુચક છે, રાજ્યમાં ત્રણ મહિના પછી પ્રથમ વખત નવા કેસ 1000થી ઓછા નોંધાયા હતા, હોટસ્પોટ બનેલા રાજકોટ, જામનગર, ભાવનગરમાં હાલતમાં સારો એવો સુધારો છે. જો કે, અમદાવાદ સુરતમાં પરિસ્થિતિ યથાવત છે અને કેસોમાં કોઇ મોટો ઘટાડો નથી.