કેન્દ્ર સરકાર દ્વારા સંકટમાં મુકાયેલા દેશના ખેડૂતોને મદદ કરવા રાહતનાં પગલાં લેવામાં આવ્યાં છે.બેન્કોએ ઓછા વ્યાજદરે ખેડૂતોને કુલ રૂ. ૧.૩૫ લાખ કરોડની લોન મંજૂર કરી છે. આ હેતુ માટે દેશના દોઢ કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ (KCC) હેઠળ જોડવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોનાના સંકટ કાળમાં આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ સરકારે કેસીસી સ્કીમમાં ૨.૫ કરોડ ખેડૂતોને જોડવાનો નિર્ણય લીધો છે. નાણાકીય મુશ્કેલી અનુભવી રહેલા ખેડૂતોને આનાથી રાહત મળશે. ઈકોનોમીમાં રૂ. ૨ લાખ કરોડની લોન સહાય આપવા પણ સરકારે અગાઉ નક્કી કર્યું હતું.
ખેડૂતોને વ્યાજમાં બે ટકા રાહત આપવામાં આવી । બેન્કો અને અન્ય નાણાં સંસ્થાઓ દ્વારા ખેડૂતોને ઓછા વ્યાજદરે લોન આપવા પગલાં લેવાયાં છે. જેમાં માછીમારો, પશુપાલકો સહિત ૧.૫ કરોડ ખેડૂતોને કેસીસી સ્કીમમાં જોડવામાં આવ્યા છે. તમામ ક્રેડિટ કાર્ડ ધારકોને કુલ રૂ. ૧.૩૫ લાખ કરોડની લોન સહાય અપાઈ છે. સરકાર દ્વારા ખેડૂતોને વ્યાજમાં બે ટકા રાહત આપવામાં આવી છે.
કેસીસી હેઠળ લોનની મહત્તમ મર્યાદા પણ વધારાઈ
કોઈ ગેરંટી વિના ખેડૂતોને આપવામાં આવતી લોન સહાયની મહત્તમ મર્યાદા રૂ. ૧ લાખથી વધારીને રૂ. ૧.૬૦ લાખ કરાઈ છે. આને કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે તેમજ ગ્રામીણ ઈકોનોમી વધારે મજબૂત થશે. ખેતીમાં ઉત્પાદન પણ વધશે. દેશમાં અન્ન સુરક્ષા પણ વધશે.