કોરોના મહામારી (Corona Epidemic)વચ્ચે શિક્ષણ ક્ષેત્ર (Education Sector)ગંભીર રીતે અસરગ્રસ્ત થયું છે. શાળા-કોલેજો (શાળા-કોલેજો)માં સાત મહિનાથી શિક્ષણકાર્ય ઠપ છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ (Online education)મેળવી રહ્યા છે અને શાળામાં ફી-નિભાવ ખર્ચ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. એવામાં કોવિડ-19 (Covid-19)પરિસ્થિતિ અંતર્ગત શાળા શરૂ કરવા બાબતે એસ.ઓ.પી. તૈયાર કરવા માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (Surat District Education Officer’s Office)એ ગુરુવારે સવારે 11થી 1 વાગ્યા સુધી ચિંતન શિબિર (Meditation camp)નું આયોજન કર્યુ હતું. આ ચિંતન શિબિરમાં હાજર તજજ્ઞો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓએ કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી પ્રાથમિક શાળા શરૂ કરવી જોખમી હોવાનું અને દિવાળી (Diwali) પછી પ્રથમ તબક્કામાં તકેદારી સાથે ધોરણ-10 અને 12ના વર્ગો શરૂ કરવાનું સ્પષ્ટ સૂચન કર્યુ હતું.
ગુરુવારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દીપક દરજીની ઉપસ્થિતિમાં પુણા ગામ સ્થિત એલ.પી.ડી. પટેલ હાઇસ્કૂલમાં ‘શાળા શરૃ કરવી કે કેમ?’ એ વિષય પર ચિંતન શિબિર યોજાઇ હતી. ચિંતન શિબિરમાં રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ દીપક રાજ્યગુરુ, સુરત શહેર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ ડો. જગદીશ ચાવડા, આચાર્ય સંઘના પ્રતિનિધિ ડો. અનિશા મહિડા સિવાય ડો. લતિકા, ડો. સંજય મહેતા, ડો. રૃદ્રેશ વ્યાસ, ડો. પરેશ સવાણી સહિત 30 જેટલા શિક્ષણચિંતકો, કેળવણીકાર, તજજ્ઞો હાજર રહ્યા હતા.
બે કલાકની ચિંતન શિબિરમાં પ્રતિનિધિ, તજજ્ઞોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. દરમિયાન ખાસ કરીને દિવાળી પછી માત્ર ધોરણ-10,12ના વર્ગો અને એ પણ રોજ બે કલાક માટે જ શરૃ કરવાનું સૂચન કરાયું હતું. વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે અને કોરોના સંક્રમણની ભીતિને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને બદલે વાલીઓ જ વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા-લેવા આવે એ અંગે સર્વસંમતિ આપવામાં આવી હતી.
તજજ્ઞાોના અભિપ્રાયો રાજ્ય સરકારને મોકલીશું: એચ.એચ.રાજ્યગુરુ (જિલ્લા શિક્ષણાધિકારી)
કોવિડ-૧૯ની પરિસ્થિતિ અંતર્ગત શાળાઓ શરૃ કરવા બાબતે એસ.ઓ.પી. તૈયાર કરવા માટે ગુરુવારે ચિંતન શિબિર યોજાઇ હતી. ચિંતન શિબિરમાં વિવિધ શૈક્ષણિક ઘટક સંઘ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તજજ્ઞા, પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. દિવાળી પછી પ્રાયોગિક ધોરણે ધોરણ-10 અને 12ના જ વર્ગો શરૃ કરવા સહિતના મળેલા અભિપ્રાય, સૂચનો રાજ્ય સરકારને મોકલીશું.
બાળકનો એન્ટિજન ટેસ્ટ કરાવી વાલી લેવા-મૂકવા આવે: દીપક રાજ્યગુરુ (પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત)
બાળકોનું શિક્ષણ પ્રભાવિત થઇ રહ્યું હોય દિવાળી પછી તકેદારી સાથે શાળા શરૃ કરવામાં આવે એ જરૃરી છે. પ્રથમ તબક્કામાં ધોરણ-૯થી ૧૨ના વર્ગો શરૃ કરવા જોઇએ. તેમાં પણ શાળા સંચાલકોના માથે જવાબદારી ઠોકી ન બેસાડાતા વાલીઓની સહમતીથી બાળકો શાળામાં આવે એ જરૃરી છે. તેમાં પણ સ્વાસ્થ્ય-સુરક્ષાની દૃષ્ટિએ દરેક બાળકનો એન્ટિજન ટેસ્ટ કરાવવો જરૃરી છે.
વેક્સિન ન આવે ત્યાં સુધી ધો. 5 સુધીના વર્ગો નહીં: જગદીશ ચાવડા (પ્રતિનિધિ, સુરત શહેર શાળા સંચલાક મંડળ)
દિવાળી પછી પૂરતી તકેદારી અને સાવચેતી સાથે શાળામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગના વર્ગો શરૃ કરવામાં આવે એ આવશ્યક છે. જોકે, કોરોનાની વેક્સિન નહીં આવે અને કોરોના સંક્રમણ કાબૂમાં ન આવે ત્યાં સુધી બાળભવન અને ધોરણ-૧થી ૫ સુધીના વર્ગો શરૃ કરવું જોખમી સાબિત થઇ શકે છે. બેઠકમાં મોટા ભાગના તજજ્ઞાો, પ્રતિનિધિઓએ આ જ મત આપ્યો હતો.
(શાળાની શરૃઆત માટે યોજાયેલી ચિંતન શિબિરમાં તજજ્ઞો-પ્રતિનિધિએ આપેલા અભિપ્રાય)
1. દિવાળી પછી પ્રાયોગિક ધોરણે ધોરણ-૧૦ અને ૧૨ના વર્ગો શરૃ કરવામાં આવે. ૧૫ દિવસ પછી સંજોગોને આધીન ધોરણ-૯ અને ૧૧ના વર્ગો શરૃ કરવા જોઇએ.
2. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓને માત્ર બે કલાક જ બોલાવવા જોઇએ. વિદ્યાર્થીઓ એકસાથે મોટી સંખ્યામાં વર્ગખંડમાં ન બેસે એ માટે એક વર્ગના બે ભાગ કરી દેવા જોઇએ.
3. દર બે કલાક વચ્ચે અડધોથી એક કલાકનો વિરામ રાખવો જોઇએ. આ સમયગાળામાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ, યોગ, પ્રાણાયામ સહિતની શારીરિક ક્રિયા કરાવવી જોઇએ.
4. દરેક શાળામાં સેનિટાઇઝર, ટેમ્પરેચર ગન, માસ્ક સહિતની વ્યવસ્થા ઊભી થવી જોઇએ. શક્ય બને તો દરરોજ બે વખત શાળા પરિસરને સેનિટાઇઝ કરવું જોઇએ.
5. બાળક સંક્રમિત ન થાય એ પ્રમાણે વાલીઓનો વિશ્વાસ સંપાદિત કરવો. વાલીનું સંમતિપત્રક ફરજિયાત મેળવવું. શાળામાં બાળકની હાજરી ફરજિયાત ન કરવી.
6. ધોરણ-૯, ૧૦ અને ધોરણ-૧૧, ૧૨ એમ બે ભાગમાં વિદ્યાર્થીઓને ઓડ ઇવન સિસ્ટમ સાથે શાળાએ બોલાવવા જોઇએ. તમામ ચારેય ધોરણના વિદ્યાર્થીને એકસાથે બોલાવવા નહીં.
7. કોરોના વેક્સિન આવે અથવા તો કોરોના સંક્રમણ સંપૂર્ણરીતે કાબૂમાં આવી જાય પછી જ શાળામાં બાળભવન અને ધોરણ-૧થી ૫ અથવા તો પ્રાથમિક વિભાગ શરૃ કરવો જોઇએ.
૮. બાળકોની સુરક્ષા અને સલામતીને જોતા દરેક બાળક, તેમના પરિવારજનોનો એન્ટિજન ટેસ્ટ થવો જોઇએ. શંકાસ્પદ કિસ્સામાં બાળકને શાળાએ બોલાવવું જોઇએ નહીં.
9. પ્રાયોગિક ધોરણે ગ્રામ્ય વિસ્તારોમાં શાળા શરૃ કરવી. સુરત, અમદાવાદ, રાજકોટ, વડદોરા જેવા શહેરમાં શાળા શરૃ કરવા માટે ઉતાવળ કરવી જોઇએ નહીં.