ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ-કૉંગ્રેસ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.તેમજ ચૂંટણી પંચે પણ મતદાર સુધારણા યાદીથી લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતનું મુખ્ય ચૂંટણીપંચ ઓક્ટોબરના પહેલા સપ્તાહે શરદ પૂનમના તહેવારની આસપાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યું છે. ચીફ ઈલેકશન કમિશનર સહિતના ઓફિસરો રાજ્યમાં એકથી વધુ સ્થળે ચૂંટણીની તૈયારી સંદર્ભે સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજશે.તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે નિયમિત ચૂંટણીઓ માટે વહીવટીતંત્રની તૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક બાદ એકાદ સપ્તાહમાં ઈલેકશન કમિશનર ચૂંટણીની જાહેરાત કરતા હોય છે. ચીફ ઈલેકશન કમિશનર અને તેની ટીમ પાંચથી ૧૨મી ઓક્ટોબર દરમિયાન હિમાચલ પ્રદેશ અને ગુજરાતની મુલાકાતનો પ્રવાસ તૈયાર કરી રહી છે. આથી રાજ્ય સરકારે પણ પોલીસથી લઈને વહીવટીતંત્રમાં ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ ટોપ ટુ બોટમ બદલીઓ માટે છેલ્લા તબક્કાની પ્રક્રિયા આરંભી દીધી છે. આગામી સપ્તાહથી ૧૦મી ઓક્ટોબર સુધીમાં આ પ્રક્રિયા આટોપી લેવા તમામ વિભાગીય વડાઓને સામાન્ય વહીવટ વિભાગે સૂચનાઓ આપી છે. એટલુ જ નહીં, સંભવત: ૧૬મી ઓક્ટોબરે ચૂંટણી જાહેર થાય તો ૨૦મી ડિસેમ્બર સુધી આચારસંહિતા અમલમાં રહે તેવી સ્થિતિને પગલે બાકી રહેલા કામો પણ ફટાફટ પૂર્ણ કરવા તાકીદ કર્યાનું પણ જાણવા મળ્યું છે.