કેન્દ્ર સરકારના સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે, કોરોનાની રસી ઉપલબ્ધ થતાં કેન્દ્ર સીધી ખરીદી કરશે અને સ્પેશિયલ કોવિડ-૧૯ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિકતા ધરાવતાં જૂથોને રાજ્યો અને જિલ્લા નેટવર્ક દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવશે. સરકારે રાજ્યોને રસીની ખરીદી માટે અલગ યોજના નહીં બનાવવાની સૂચના આપી છે. સરકારે કોરોના રસીમાં પ્રાથમિકતા આપવા માટેના ૩૦ કરોડ લોકોની ઓળખ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્પેશિયલ પ્રોગ્રામ સરકાર સંચાલિત યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને સમાંતર ચલાવાશે. રાજ્ય સરકારોેને મધ્ય નવેમ્બર સુધીમાં પ્રાયોરિટી ગ્રૂપના લોકોની યાદી તૈયાર કરવાની સૂચના અપાઇ છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સલ પ્રોગ્રામ માટેના ડિજિટલ પ્લેટફોર્મ અને પ્રોસેસની મદદ વડે કોરોનાની રસીના સ્ટોરેજથી વિતરણ સુધીની વ્યવસ્થા કરાશે. વેક્સિન આપવાની વ્યવસ્થામાં જોડાનારા કર્મચારીઓ માટે ઓનલાઇન ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની રસીમાં કોને પહેલી પ્રાથમિકતા અપાશે
૧ કરોડ આરોગ્ય કર્મચારી
ડોક્ટર, MBBS સ્ટુડન્ટ, નર્સ અને આશા વર્કર્સ
૨ કરોડ ફ્રન્ટલાઇન કર્મચારી
મ્યુ. કર્મચારી, પોલીસ અને સશસ્ત્ર દળોના જવાનો
૨૬ કરોડ સિનિયર સિટિઝન્સ
૫૦થી વધુ વયના અને ગંભીર બીમાર ૫૦ વર્ષથી નાની વયના નાગરિકો
કોરોનાની રસી પાછળ થનારો ખર્ચ
૫૦,૦૦૦ કરોડ રૂપિયા સરકારે અલગ કર્યાં
૫૦૦ રૂપિયા માથાદીઠ રસીનો ખર્ચ આવશે
૮૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુની જરૂર પડશે
૮,૦૦૦ કાર્ગો પ્લેન રસીના પરિવહન માટે જોઇશે
યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ
ગર્ભવતી મહિલા, નવજાત અને બાળકોને રસી
વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ, દર વર્ષે ૨.૭ કરોડ નવજાતને રસી અપાય છે
દર વર્ષે બાળકોને વિવિધ રસીના ૬૦ કરોડ ડોઝ
આગામી ત્રણ મહિના નિર્ણાયક રહેશે : હર્ષવર્ધન
હર્ષવર્ધને કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિ નક્કી કરવા ૩ મહિના નિર્ણાયક રહેશે. જનતા શિયાળા અને તહેવારની સિઝનમાં સાવચેતીનું પાલન કરે.