ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ક્ષણ નજીક આવી ચૂકી છે. પીએમ મોદી (PM Modi) નો ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project)આવતીકાલે (24 ઓક્ટોબર 2020) ગિરનાર રોપ-વે (Girnar Ropeway)નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે ઇ- શુભારંભ (E-launch)કરાશે. આવતીકાલે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવશે અને ગિરનારની સીડીઓ એક ઈતિહાસ બનીને રહી જશે ત્યારે આ ઐતિહાસિક સીડીઓનો પણ એક રોચક ઈતિહાસ છે જે જોવા જેવો છે.
જગ પ્રસિદ્ધ મહા પર્વત એવો ગિરનારને હિમાલયના દાદા પણ કહેવાય છે. ગિરનાર પર્વત ઉપર આવેલ જૈન દેરાસરો અને ભગવાનના મંદિરો આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ ગિરનારને કેવી રીતે ચઢવો એ સૌથી મુશ્કેલ સવાલ હતો. ત્યારે ગુજરાતના સોલંકી રાજના રાજવી કુમારપાળે આ પર્વત ઉપર સૌ પ્રથમવાર પગથિયા બનાવ્યા હતા. વિક્રમ સંવંત 1683માં દીવના સંઘજી મેઘજીએ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. કાળક્રમે આ પગથિયાં એકદમ જર્જરિત બની ગયા હતા ત્યારે આ પગથિયાં ફરીથી નવેસર બનાવવાનું આયોજન નવાબ રસુલખાંનજીના સમયમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આટલા બધા નાણાં કયાંથી લાવવા એ તેમને સમજાતું નહોતું.
ત્યારે આ ખર્ચને પહોંચી વળવા માટે નવાબના દરબારમાં રહેલ અધિકારીઓએ સૌ પ્રથમવાર ભારતભરમાં લોટરી પાડવાની યોજના બનાવી હતી. આ યોજના મુજબ 11 વ્યક્તિઓની કમિટી તૈયાર કરવામાં આવી હતી અને જેની ગિરનાર લોટરીની સંપૂર્ણ યોજના ઘડી કાઢવામાં આવી હતી. અને તેના માટે જાહેરાતો પણ આપવામાં આવી હતી. તમામ જાતિના લોકોએ આ લોટરી લીધી હતી. અને લોટરીનું પ્રથમ ઈનામ મુંબઈની એક મહિલાને લાગ્યું હતું અને 1908માં ગિરનાર પર્વત ઉપર કાળા પથ્થરથી આ બનાવવામાં આવ્યા હતા.
ગિરનાર ઉપર આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવાબ દ્વારા પણ ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ગિરનાર પર્વત ઉપર ચારે દિશાઓમા ચોકીઓ બનાવવામાં આવી હતી. નવાબ પર ગિરનાર પર્વત ઉપર વિનામૂલ્યે પાણીની પરબો ચાલુ કરવામાં આવ્યા હતા તેમજ યાત્રિકો રોકાઇ શકે તે માટે બે ગેસ્ટ હાઉસની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તે સમયમાં ગિરનાર પર્વત ઉપર જતા યાત્રિકોએ યાત્રાવેરો આપવો પડતો હતો અને આ યાત્રા વેરો જૂનાગઢના નવાબ દ્વારા નાબૂદ કરવામાં આવ્યો હતો.
આમ હવે આવતીકાલથી ગિરનાર રોપ-વે શરૂ થતાં જ ગિરનારના પગથિયાઓ ઈતિહાસ બનીને રહી જશે પરંતુ કેટલાક લોકો એવું માની રહ્યા છે કે, આ પગથિયા ચડીને યાત્રાની મજા કંઇક જુદી જ છે.