ગુજરાતમાં દિવાળી પછી કોલેજો અને યુનિવર્સિટીઓ શરૂ કરવામાં આવે તેવા સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે. શાળાઓની જેમ કોલેજોમાં પણ કેમ્પસ એજ્યુકેશન ફરીથી શરૂ કરવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પેટા ચૂંટણી પુરી થાય પછી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે બેસીને અમે મીટિંગ કરવાના છીએ. જેમાં આરોગ્ય વિભાગનો અભિપ્રાય લેવામાં આવશે. મીટિંગમાં સ્કૂલ અને કોલેજ ક્યારે ખોલવી તેની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ અમે બંને ક્યારે ખોલવા તેની તારીખો જાહેર કરીશું.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારનો ધોરણ ૯થી ધોરણ ૧૨ સુધી શાળાના વર્ગો નિયમિત રીતે શરૂ કરવાનો આશય છે તે સંજોગોમાં કોલેજો અને યુનિવર્સિટીઓને અનિશ્ચિત મુદત માટે બંધ રાખવા માટે કોઈ કારણ નથી. કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પુખ્ત વયના અને પરિપક્વ હોય છે અને કોરોના વાયરસ સામે અગમચેતીરૂપે પગલાં લેવાનું સારી રીતે જાણે છે.
હાલ, રાજ્યમાં ઓનલાઈન માધ્યમથી લગભગ ૨ હજાર જેટલી કોલેજો અને ૪૫ યુનિવર્સિટીઓના લગભગ ૨૦ લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. કોલેજો અને યુનિવર્સિટીઓએ કેમ્પસમાં શિક્ષણ પુનઃ શરૂ કરવા દેવા છૂટ આપવાની માંગણી કરી છે.
તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ટુંક સમયમાં કોલેજો અને યુનિવર્સિટીઓના એસોસીએશન સાથે ચર્ચા- વિચારણા કરીને દિવાળી પછી કોલેજો અને યુનિવર્સિટીઓમાં ઓન- કેમ્પસ શિક્ષણ શરૂ કરવા અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) તૈયાર કરવાની કવાયત હાથ ધરાશે.
જોકે, વિદ્યાર્થીઓની સુરક્ષા- સલામતી સંબંધિત તમામ પાસાંઓને ધ્યાનમાં લેવાયા પછી કોલેજો અને યુનિવર્સિટીઓ શરૂ કરવાના સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કોલેજો અને શિક્ષકોના એસોસીએશન દ્વારા દિવાળી પછી શાળાઓની જેમ કોલેજો અને યુનિવર્સિટીઓ પુનઃ શરૂ કરવા માટેની હિલચાલને આવકારી છે.