દિવાળી વેકેશનમાં ફરવા જવાનો લોકોમાં મૂડ સર્જાયો પણ માત્ર ‘ટૂંકા પ્રવાસ’માં રસ :ટ્રાવેલ્સ એજન્ટોનો નિર્દેશ: આબુ-જયપુર-ગોવા-સાસણ-દિવ જેવા ટૂંકા પ્રવાસ માટે ઇન્કવાયરી પણ 15-20 દિવસના પેકેજ માટે ખાસ પૂછપરછ પણ નથી :6-7 મહિનાથી ‘બહાર’ નહીં નીકળેલા લોકો હજૂ સાવચેતીપૂર્વક જ ફરવા નીકળવા માંગે છે: લાંબી ધાર્મિક ટૂર પણ ગોઠવાતી નથી
દર વર્ષે દિવાળી-નૂતન વર્ષ પર્વના તહેવારોમાં સૌરાષ્ટ્રવાસી દેશ-વિદેશના પર્યન સ્થળોએ વેકેસન રજાની પરિવારો-મિત્રો, પરિચિતો સાથે મોજ માણવા નીકળી પડે છે પરંતુ ઓણસાલ કોરોના વાઇરસ મહામારીના પગલે પ્રવાસન સ્થળોએ જવાના આયોજનો પડતા મૂકયા હોય તેમ ટૂર-ટ્રાવેલ્સમાં બુકીંગથી યાત્રિકો હજુ દૂર છે. રાજકોટ ટુર-ટ્રાવેલ્સ સંચાલકો અને ઓપરેટરોના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે વેકેશન જાહેર કરતા હાલ ગોવા-રાજસ્થાનના પ્રવાસન સ્થળોએ જવા ઇન્કવાયરી શરૂ થવા લાગી છે બુકિંગ આગામી દિવસોમાં વધે તેવી સંભાવના છે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ટૂરને આ વર્ષે મોટો ફટકો પડ્યો છે.
ઉનાળુ અને દિવાળી વેકેશનમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રવાસી દેશ-વિદેશની ટૂરમાં એકાદ દોઢ માસ પહેલા જ ટૂર ટ્રાવેલ્સ એજન્સીઓમાં પહોંચી પોતાની મન પસંદ ટૂર બુક કરાવી નિશ્ર્ચિત તારીખની ટૂરમાં જોડાઇ વેકેશનની મજા માણે છે. ગત માર્ચ માસમાં કોરોના વાઇરસ ત્રાટકતા લોકડાઉનમાં પરિવહન સાથે હવાઇ, ટ્રેન, બસ સેવા ઠપ્પ થયા બાદ અનલોકમાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતા હવે દિવાળી વેકેશન નજીક આવવા છતાં હજુ પ્રવાસન સ્થળોની ટૂરમાં જોડાવવાનો કોઇ પ્રકારનો ઉમંગ-ઉત્સાહ જોવા મળતો નથી. માત્ર ગુજરાત અને પડોશી રાજ્ય રાજસ્થાન અને દિવ-દમણ ગોવા જેવા સ્થળોએ જવા હવે ટૂર-ટ્રાવેર્લ્સ એજન્સીઓમાં પૂછપરછ થવા લાગી છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની ખ્યાતનામ જાણીતા ટુર-ટ્રાવેલ્સ જીવા હોલીડે, બેસ્ટ ટૂર એન્ડ ટ્રાવેલ્સ, કેસવી ટૂર ટ્રાવેલ્સ, પટેલ હોલી-ડે, સ્ટેલા ટૂર્સ, ધૂમ ટ્રીમ વિ. ટૂર ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યા પ્રમાણે હાલ દિવાળી વેકેશનના દિવસો નજીક આવી રહ્યા છે છતાં ઇન્ટરનેશનલ ડોમેસ્ટીક ટૂર સહિત અનેકવિધ ટૂરમાં કોરોના વાયરસના ડરના લીધે હજુ બુકીંગમાં યાત્રીકોમાં ઉત્સાહ નથી. દિવાળી વેકેશન આ વર્ષે પડોશી રાજસ્થાન, આબુ, જયપુર, ઉદયપુર, નાથદ્વારા જેવા સ્થળો અને દીવ-ગોવાની ટૂર અંગે પૂછપરછ થવા લાગી છે તે જોતા આ વર્ષે સૌરાષ્ટ્રવાસીઓ અન્ય રાજ્યોના દૂર-દૂરના પયર્ટન સ્થળોએ જવા રાજી નથી. ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોમાં જ વેકેશન ગાળે તેવી હાલ સ્થિતિ જોવા મળે છે. સૌથી વધુ ગોવા અને રાજસ્થાનની ટૂરની પ્રવાસીઓ પૂછપરછ કરી રહ્યા છે. હાલ દિવસોમાં માત્ર 5 થી 10 ટકા એડવાન્સ બુકીંગ બુક થયા છે. પ્રવાસીઓમાં હજુ કોરોનાનો ડર જોવા મળે છે. આગામી દિવસોમાં વધારે બુકીંગ થાય તેવી શક્યતા છે.
કોરોનાને લીધે આ વર્ષે ભાઇબીજની ધાર્મિક યાત્રા સ્થળોની ટૂરના આયોજન નહીંવત છે. વડીલો અને ધર્મપ્રેમીઓ યાત્રાધામોમાં ધાર્મિક સ્થળો ગોકુળ મથુરા, નાથદ્વારા, હરિદ્વાર, વારાણસી, ચંપારણ્ય, રામેશ્ર્વર-ક્ધયા કુમારી સહિતના દેશના અનેક ધાર્મિક સ્થળોની ટૂરમાં જવા ઇચ્છતા નથી. કારણ કે અત્યારે પરિસ્થિતિ જ એવી છે કે વડીલોએ આરોગ્યની કાળજી રાખવી જરૂરી હોવાથી વડીલોએ આ વર્ષે યાત્રાધામ જવાનું ટાળી રહ્યા છે.
દિવાળી બાદ લાભ પાંચમના શાળાકીય દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાઓ ખુલવાની શક્યતાના લીધે આ વર્ષે યાત્રા-પ્રવાસ માટે વેકેશન નિરસ રહ્યું છે. 6-7 મહિનાથી બહાર ગામ હરવા ફરવા સ્થળે નહીં નીકળેલા લોકો સાવચેતીપૂર્વક જ ફરવા જવાના આયોજન કરી રહ્યા છે. લાંબી 15-20 દિવસની પેકેજ ટૂર માટે ખાસ પૂછપરછ પણ નથી તેવું ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે.
વિદેશની ટૂરમાં દુબઇ-માલદીવ ફેવરીટ
બંને દેશોમાં પ્રવાસન છુટને પગલે પ્રવાસીઓને પણ રસ
સૌરાષ્ટ્રવાસીઓ વેકેશન વિદેશની ટુરમાં દર વર્ષે ઉમટી પડે છે. આ વર્ષે કોરોના મહામારીના પગલે ઇન્ટરનેશનલ ટુરને અસર પડવાની સંભાવના હોવા છતા દુબઇ-માલદીવની સફરે જવા ટુરિસ્ટોએ ટુર ટ્રાવેર્લ્સ ઓપરેટરોનો સંપર્ક સાધી રહયા છે.
આગામી દિવાળી વેકેશનમાં ઇન્ટરનેશનલ કક્ષાની ઘણી ખરી પેકેજ ટુર બંધ છે ત્યારે દુબઇ-માલદીવ ટુર માટેની ઇન્કવાયરી અને બુકિંગ માટે લોકોમાં ઉત્સાહ હોવાનું ટુર ઓપરેટરોએ જણાવ્યુ છે.
બેસ્ટ એન્ડ ટુર ટ્રાવેલ્સના દિપકભાઇના જણાવ્યા પ્રમાણે ઇન્ટરનેશનલ ટુરમાં દુબઇ-માલદીવ બંને દેશોમાં પ્રવાસીઓને છુટ્ટ મળતા આ બંને દેશોમાં ફરવા જવામા લોકોને પણ રસ પડતા બુકિંગ કરાવી રહયા છે.સ આ બંને દેશોના પ્રવાસન સ્થળો એકદમ સેફટી હોવાથી પ્રવાસીઓ આનંદ માણી શકે છે. અને પહેલી પસંદ દુબઇ-માલદીવની હોય છે. આ બંને દેશોની ટુરમાં હાલ આકર્ષક ઓફર પણ આપવામાં આવી રહી છે. બુકિંગમાં લોકોને રસ પડયો છે.