ડૉ. બાબાસાહેબ આંબેડકરના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વડોદરા કમાટીબાગમાં આવેલ ડૉ.બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિ સ્મારકના સ્થળે પુષ્પાજંલી અર્પણ કરી હતી. આ સ્થળે ડૉ. બાબાસાહેબ આંબેડકરે છેવાડાના માનવીને અધિકાર, આત્મસન્માન, સંગઠિત, શિક્ષિત, સંકલ્પબધ્ધ બનાવી જીવનને સંકલ્પથી સંવિધાન સુધી લઇ જવાનો સંકલ્પ કર્યો હતો.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંકલ્પ સ્થળે પુષ્પાજંલી અર્પી ધન્યતા અનુભવી હતી અને રાજયના છેવાડાના માનવીને તમામ હક્કો અને સુવિધા પુરી પાડવાના ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પને દોહરાવ્યો હતો. રૂપાણીએ સ્થળ ઉપર ઉપસ્થિત બૌદ્ધ મઠના સાધુ-સંતો સાથે વિચાર વિમર્શ કર્યો હતો તેમ જ દેશ-વિદેશના ડૉ. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુખ્ય પ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ સ્થળે મંદિર, ક્ધવેશન સેન્ટર, આર્ટ ગેલેરી, મ્યુઝિયમ બનાવવામાં આવશે તેમજ આ સ્થળ દેશ-વિદેશમાં ટુરિઝમના સ્થાન તરીકે વિકાસ પામશે. ડૉ. બાબાસાહેબ ફક્ત અનુસૂચિત જાતિના નહીં પરંતુ સમગ્ર દેશના નેતા તરીકેનું સ્થાન હાંસલ કરી દુનિયાનું શ્રેષ્ઠ સંવિધાન ભારતને આપ્યું છે. દેશ અને દુનિયા તેમના યોગદાનને કાયમ યાદ રાખશે.