કોરોના સામેના જંગમાં ખુશખબર :યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોને ઉંદરો પર પ્રારંભિક પરીક્ષણમાં સફળતા મળી : આ વેકિસનમાં સંક્રમણથી સ્વસ્થ થયેલ દર્દી કરતા 10 ગણા વધુ એન્ટી બોડી
કોરોનાની વેકિસન-દવાની શોધ દુનિયાભરના વૈજ્ઞાનિકો-સંશોધકો કરી રહયા છે ત્યારે વૈજ્ઞાનિકોએ નેનો પાર્ટીકલ વેકિસન વિકસીત કરી છે. જે સંક્રમિત દર્દીના શરીરની એન્ટી બોડીમાંથી દસ ગણી વધુ સુરક્ષા આપનાર રસી બની રહેશે.
આ એક નેનો પાર્ટીકલ વેકિસન છે. જેનું પ્રારંભિક પરીક્ષણ ઉંદર પર સફળ રહેલ હવે તેનું પ્રયોગાત્મક પરીક્ષણ માનવ પર કરવામાં આવશે. આ સંશોધન સેલ પત્રિકામાં પ્રકાશિત થયુ છે.ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓના સ્વસ્થ થઇ ગયા બાદ તેના શરીરમાં એન્ટીબોડી તૈયાર થઇ જાય છે. જે વ્યકિતને બીજીવાર વાઇરસના હુમલા સામે લડવામાં મદદ કરે છે. આ નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ જે વેકિસન તૈયાર કરી છે તેનાથી શરીરમાં વિકસિત થનારી એન્ટી બોડીની સંખ્યા સંક્રમિત થઇને સ્વસ્થ થયેલા વ્યકિતની એન્ટી બોડી કરતા 10 ગણી વધુ છે. અર્થાત પ્રયોગાત્મક વેકિસનનો ડોઝ શરીરમાં જવાથી પેદા થનાર એન્ટી બોડી 10 ગણી વધુ શકિતથી વાઇરસ સામે લડી શકે છે.
આ સંશોધન પત્રના મુખ્ય લેખક ડેવિડ વેસલરે જણાવ્યું હતું કે આ ટ્રાયલ વેકિસનના ઓછા માત્રામાં અપાયેલ ડોઝ પણ શરીરમાં વધારે એન્ટી બોડી પેદા કરે છે. ખરેખર તો આ એક સંરચના આધારિત વેકિસન છે. જેના પ્રોટીન નેનો પાર્ટીકલ ખુદ જ બંધાઇ જાય છે. જેમાંથી એક વખતમાં 60 રિસેપ્ટર નીકળે છે. જે શરીરમાં ઘુસનાર વાઇરસને ખુદમાં બાંધી લે છે.
વાઇરસના રૂપ પરિવર્તન પર પણ અસરકારક
ટ્રાયલ વેકિસનના ઉંદર પર કરાયેલા અધ્યયનના ડેટાનો હવાલો આપીને સંશોધકોએ જણાવ્યું હતું કે આ નેનો પાર્ટીકલ વેકિસન વાઇરસના મ્યુટેશન કે રૂપ પરિવર્તન બાદ બનનાર સ્ટ્રેન પર પણ અસરકારક રહેશે. સંશોધનથી જાણવા મળ્યું કે વેકિસનના રસીકરણ થયા બાદ શરીરમાં મજબુત બી-સેલ પ્રતિક્રિયા પેદા થાય છે.
અન્ય સંભવિત વેકિસનથી વધુ તાકાતવર
સંશોધકોનું કહેવું છે કે તેમણે જે નેનોપાર્ટીકલ પ્રયોગાત્મક વેકિસન તૈયાર કરી છે. તે કોરોનાની બીજા સંભવિત વેકિસનની તુલનામાં 10 ગણુ વધુ તાકાતવર છે. તેમાં બનતા સુક્ષ્મ કણ મોટી સંખ્યામાં અને જુદી જુદી રીતે કોરોના વાઇરસના સ્પાઇક પ્રોટીન પર હુમલો કરી શકે છે.