-કોરોના વધી રહ્યો હોવાની હકીકતની સરકારે નોંધ લીધી
પાટનગર નવી દિલ્હીમાં એક તરફ બેફામ પ્રદૂષણ અને બીજી તરફ ઝડપભેર વધી રહેલા કોરોનાના કેસને જોતાં અરવિંદ કેજરીવાલની સરકારે દિવાળી પર તમામ પ્રકારના ફટાકડા બનાવવા કે ફોડવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
છેલ્લા ત્રણ ચાર દિવસથી પાટનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના ભયજનક આંકને વટાવી ગયો હતો. હજુ એમાં ઘટાડો થયો નથી ત્યારે સ્વાભાવિક રીતે જ કેજરીવાલની ચિંતા વધી હતી. બીજી બાજુ કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા. આ સંજોગોમાં ફટાકડાથી પરિસ્થિતિ સાવ બેકાબુ બની જાય એ પહેલાં કેજરીવાલ સરકારે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ જાહેર કરી દીધો હતો.
સરકારી પ્રવક્તાએ કહ્યું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડા સાથે એક બેઠક યોજી હતી અને પરિસ્થિતિનું પુનરાવલોકન કર્યું હતું. ત્યારપછી ફટાકડા પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. આવતી કાલથી એટલે કે સાત નવેંબરથી 30 નવેંબર સુધી આ બૅન અમલમાં રહેશે. અત્યાર અગાઉ પણ સરકારે પ્રદૂષણ વધારે એવા ફટાકડા ફોડતાં પકડાય એને એક લાખ રૂપિયાનો દંડ અને/અથવા પાંચ વર્ષની જેલની સજાની જાહેરાત કરી હતી એ યાદ કરવા જેવું છે.