પરિવારમાં મૃત્યુ કે બિમારીના કારણે ભારત આવતા લોકોને 7 દિ’ના કવોરન્ટાઈનથી મુક્તિ
વિદેશથી ભારત આવતા યાત્રીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલ નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ પરિવારમાં મૃત્યુ કે બીમારીના કારણે ભારત પરત ફરી રહી છે તો તેને એરપોર્ટ પર 7 દિવસના કવોરન્ટાઈનથી મુક્તિ મળશે.મંત્રાલય અનુસાર, યાત્રાના 72 કલાક પહેલા જે લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે અને નેગેટીવ રિપોર્ટ આવ્યો છે તો તેમને પણ 7 દિવસના કવોરન્ટાઈનથી મુક્તિ મળશે. એરપોર્ટ પર પણ કોરોના ટેસ્ટ કરાવવાનો વિકલ્પ રહેશે. અહીં ટેસ્ટ બાદ નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ કવોરન્ટાઈન નહીં કરવામાં આવે.મુક્તિ મળ્યા બાદ યાત્રીઓએ 14 દિવસ ઘરે કવોરન્ટાઈનમાં રહેવું પડશે અને તેમણે એક એકરારનામુ આપવું પડશે કે કોરોના જેવા લક્ષણ હોવા પર તે સ્વાસ્થ્ય વિભાગને જાણ કરશે. તેમણે દિલ્હી એરપોર્ટની વેબસાઈટ પર ખુદને રજિસ્ટર કરી નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવી પડશે. જો કે અન્ય યાત્રીઓએ પહેલાની જેમ 7 દિવસ કવોરન્ટાઈન પર રહેવું પડશે, જયારે 7 દિવસનું હોમ કવોરન્ટાઈન રહેશે, હાલ તેનો ખર્ચ યાત્રીઓએ દેવો પડતો હતો, હવે રાજય તેમાં ફેરફાર કરી શકે છે.