પૃથ્વી અવલોકન ઉપગ્રહ ઇઓએસ-૦૧ના લોન્ચિંગ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ જણાવ્યા મુજબ સાત નવેમ્બરના રોજ લેન્ડ વ્હિકલ પીએસએલવી-સી૪૯ની મદદથી ઉપગ્રહ લોન્ચ થશે. તે સાથે જ નવ જેટલા આંતરરાષ્ટ્રીય ઉપગ્રહનું પણ લોન્ચિંગ થશે. ઇસરોએ જણાવ્યું હતું કે શ્રીહરિકોટા ખાતેના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતે શુક્રવારે બપોરે ૧.૦૨ વાગે પીએસએલવી-સી૪૯ની મદદથી ભારતીય ઉપગ્રહ ઇઓએસ -૦૧ના લોન્ચિંગ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હતું. ભારતનું પોલર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ પોતાની ૫૧મી ખેપ માટે ઉડાન ભરતી વખતે અન્ય દેશોના ઉપગ્રહોની સાથેસાથ રડાર ઇમેજિંગ મુખ્ય સેટેલાઇટ ઇઓએસ-૦૧નું પણ પ્રક્ષેપણ કરશે.
દિવસ-રાત પૃથ્વી પર રહેશે ભારતની બાજનજર
ઇઓએસ-૦૧ તે અર્થ ઓબ્ઝર્વેશન રિસેટ સેટેલાઇટની જ એક એડવન્સ્ડ સિરીઝ છે. ઇસરોના જણાવ્યા મુજબ કૃષિ, જંગલ જાળવણી અને આપત્તિ પ્રબંધનમાં આ ઉપગ્રહ ઉપયોગી સાબિત થશે. આ ઉપગ્રહ સિન્થેટિક અપચર્ચ રડાર( એસએઆર)થી સજ્જ છે. તે રડાર કોઈપણ હવામાનની સ્થિતિમાં પૃથ્વી પર બાજનજર રાખી શકે છે.