કોરોનાના કારણે વધુ રાઉન્ડની મતગણતરી: રીઝલ્ટ મોડા આવી શકે:બિહારમાં એકઝીટ પોલ મહાગઠબંધનની તરફેણમાં જતા એન.ડી.એ. છાવણીમાં ચિંતાનું મૌજૂ: વધુ એક રાજય ગુમાવશે!:મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની સ્થિરતા: જયોતીરાદીત્યની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર: યુપીમાં યોગીની લોકપ્રિયતા ચકાસાશે:ગુજરાતમાં આઠ ધારાસભા બેઠકોના પરિણામો પર પાલીકા-પંચાયત ચૂંટણીનો સંકેત મળશે
અમેરિકી ચૂંટણીના પરિણામો આવતા હવે આ રાજયમાં પ્રેસીડેન્ટ ઈલેકટ તેમના શપથવિધિ પુર્વેના એજન્ડા અમલમાં મુકવા તૈયારી કરી રહ્યા છે તો ભારતમાં આવતીકાલથી ભારતમાં પરિણામની ઉતેજના શરૂ થશે. આ વર્ષની એકમાત્ર પરંતુ સૌથી મહત્વની બની ગયેલી બિહારની વિધાનસભા ચૂંટણીના પરિણામો કાલે જાહેર થનાર છે અને તમામ એકઝીટ પોલમાં હાલના શાસક એનડીએ નિતીશકુમાર સરકારને પરાજીત થતી દર્શાવાઈ છે તો રાજદ-કોંગ્રેસના મહાગઠબંધનને બહુમતીથી નજીક અને ચાણકય પોલમાં તો 2/3 બહુમતી સાથે વિજેતા બનતા દર્શાવાયા છે જેથી એક તરફ રાજદ-કોંગ્રેસ કેમ્પમાં જબરી ઉતેજના અને ઉત્સાહ છે તો બીજી તરફ જનતાદળ (યુ) ભાજપના કેમ્પમાં વધુ એક રાજય હાથમાંથી સરકી જશે તેવી ચિંતા જોવા મળી છે. જો કે ભાજપના પ્રવકતામાં આવતીકાલના પરિણામોમાં બહાદુર ચહેરો દર્શાવવા કોશીશ કરી રહ્યા છે. બિહારમાં જો રાજદ-કોંગ્રેસનું મહા ગઠબંધન જીતી જાય તો ભાજપ માટે આ એક મોટો ફટકો હશે.
2018 અને બાદમાં પક્ષે હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહીતના રાજયો ગુમાવ્યા છે અને પછી પક્ષપલ્ટાના સહારે મધ્યપ્રદેશ સરકાર બનાવવામાં હાલ સફળ રહી છે તો રાજસ્થાનમાં તેનો આ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હરિયાણામાં પક્ષને પ્રાદેશિક તાકાતને સાથે રાખી ખુદની સરકાર બનાવવાની ફરજ પડી છે અને આગામી વર્ષ પ.બંગાળ સહિતના રાજયોની ધારાસભા ચૂંટણીઓ આવી રહી છે તેથી બિહારનું ગુમાવવું ભારે પડી શકે છે.
આવતીકાલે આ ઉપરાંત ગુજરાતની ધારાસભાની આઠ બેઠકોની જે પેટાચૂંટણીઓ યોજાઈ હતી તેના પણ પરિણામ આવો એકઝીટ પોલમાં ભાજપને 6-7 બેઠકો મળે તેવો સંકેત અપાયો છે. જો કે સરકારની સ્થિરતામાં આ બેઠકની કોઈ અગત્યતા નથી પરંતુ આગામી સમયમાં રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ તેમાં તમામ મહાપાલિકા તેના કબ્જામાં રાખવા ઉપરાંત 2015માં પંચાયતો ગુમાવી હતી તે પરત લેવા માટે આતુર છે તેથી આ પરિણામો પક્ષને મહત્વના બની જશે તથા કોંગગ્રેસના વધુ ધારાસભ્યો તૂટી શકે છે તેવી આગાહી ખુદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કરી છે તેથી આ પરિણામો બન્ને પક્ષ માટે મહત્વના બની રહેશે.
ભાજપની કસોટી મધ્યપ્રદેશમાં પણ છે. જો કે કોંગ્રેસના 22 ધારાસભ્યોને પક્ષપલ્ટાથી રાજીનામા અપાવીને પેટાચૂંટણીમાં ફરી વિજેતા બનાવવાનો ગુજરાત-સ્ટાઈલનો પ્રયાસ થયો છે અને શિવરાજ ચૌહાણ સરકાર જે હાલ સલામતમાં છે તે આ બેઠકો જીતીને તેની બહુમતી અને સ્થિરતા બન્ને સાથે મેળવી શકે છે તો આ પક્ષપલ્ટાનું નેતૃત્વ લેનાર જયોતિરાદીત્ય સિંધીયા જો ધાર્યા પરિણામો લાવી શકે તો કેન્દ્રીય કેબીનેટમાં સારુ સ્થાન મેળવી શકશે.
દેશમાં કુલ 56 ધારાસભા બેઠકોની પેટાચૂંટણી છે જેમાં ઉતરપ્રદેશની 7 બેઠકો પણ સામેલ છે અને તે યોગી સરકારની લોકપ્રિયતાનો ટેસ્ટ બની જશે.કાલે પરિણામ મોડા આવે તેવી ધારણા છે. કોરોના સંકટના કારણે જે રીતે મતદાન મથકો વધારાયા અને પ્રતિ મથક મતદારની સંખ્યા પણ ઘટાડાઈ તેથી વધુ રાઉન્ડમાં ગણતરી થશે અને ટેબલની સંખ્યા યથાવત રહી છે અને તેથી એકંદરે પરિણામ મોડા થશે.