ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે. 8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે.
પોસ્ટલ બેલેટની મતગણતરી સમયે મળતી માહિતી મુજબ ભાજપ બે બેઠક પર હાલ આગળ છે. દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે.
ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.
રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષની વંડી ઠેકી રાજીનામુ ધરી દેતાં આઠ વિધાનસભા બેઠકો ખાલી પડી હતી. જેની પેટાચૂંટણી 3 જી નવેમ્બરે યોજાઇ હતી. ધારી, અબડાસા, લિંબડી, ગઢડા, કરજણ, ડાંગ, કપરાડા અને મોરબી બેઠકો પર કુલ મળીને 60.75 ટકા મતદાન થયુ હતું.
આવતીકાલે ભૂજ, સુરેન્દ્રનગર, મોરબી, ધારી, ગઢડા, વડોદરા, આહવા અને કપરાડામાં મત ગણતરી કેન્દ્રો પર મત ગણતરી યોજાશે. સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ છે.
કોરોનાને લીધે મત ગણતરી કેન્દ્રો પર મર્યાદિત ટેબલો ગોઠવવામાં આવ્યાં છે. આઠ મત ગણતરી કેન્દ્રો પર 97 ટેબલો ગોઠવાયા છે અને 320 કર્મચારીઓની મદદ લેવામાં આવી છે.
કયાં કયાં મતગણતરી થશે
અબડાસા-સરકારી ઇજનેર કોલેજ, ભૂજ
લીંબડીં-એમ.પી.શાહ આર્ટસ-સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર
મોરબી-ગર્વમેન્ટ પોલિટેકનીક કોલેજ, મોરબી
ધારી-શ્રી યોગીજી મહારાજ મહિલા કોલેજ, ધારી
ગઢડા-ભક્તરાજ દાદા ખાચર કોલેજ, ગઢડા
કરજણ-પોલીટેકનીક કોલેજ, વડોદરા
ડાંગ-ગર્વમેન્ટ સાયન્સ કોલેજ, આહવા
કપરાડા-ગર્વમેન્ટ આર્ટસ કોલેજ, કપરાડા