દિવાળી પૂર્વે જ દબાણ હેઠળ રહેલા 26 ક્ષેત્રો સહિત અનેકવિધ રાહતો જાહેર કરતા નાણાંપ્રધાન : દબાણ હેઠળના આરોગ્ય સહિત 26 ક્ષેત્રોને સાંકળતી 1.45 લાખ કરોડની ક્રેડીટ ગેરંટી સપોર્ટ સ્કીમની મુદત 31 માર્ચ 2021 સુધી લંબાવાઈ : નવી રોજગાર નીતિમાં 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધી નોકરી ગુમાવનારાને રાહત : નવી નોકરીઓ આપનાર કંપનીઓને કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ સરકાર ભોગવશે : અર્થતંત્ર સુધારાના માર્ગે હોવાનો દાવો: બેંક ધિરાણ વધી રહ્યું છે: ધારણા કરતા વ્હેલી રિકવરીનો આશાવાદ
અર્થતંત્રની ગાડીને પાટા પર દોડાવવા માટે દિવાળી પુર્વે કેન્દ્ર સરકારે વધુ એક રાહત પેકેજની ભેટ જાહેર કરી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આત્મનિર્ભર ભારત 3.0ની ઘોષણા કરી હતી. બેરોજગારી દુર કરવાના આશય સાથે વધુ નોકરી ઉપલબ્ધ કરાવનાર કંપનીઓને રાહત મળશે. કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ પર સરકાર સબસીડી આપશે.
રોજગારી વધારવા માટે સરકાર દ્વારા આત્મનિર્ભર રોજગાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પીએફમાં સામેલ ન હોય તેવા અથવા 1 માર્ચથી 30 સપ્ટેમ્બર સુધીમાં નોકરી ગુમાવનારા લોકોને યોજનાનો લાભ મળશે. 1લી ઓકટોબરથી આ યોજના અમલી અને 30 જૂન 2021 સુધી લાગુ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે મહતમ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડમાં સામેલ કરવા તથા લાભ અપાવવાનો ઉદેશ છે. અગાઉ પીએફમાં સામેલ ન હોય અને 15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીને લાભ મળશે. 1000 કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં જેટલા નવા કર્મચારીઓની ભરતી થઈ હોય તેના પીએફના 24 ટકા સરકાર સબસીડી ચુકવશે. બે વર્ષ સુધી આ પ્રકારે સબસીડી અપાશે.
આ ઉપરાંત ઈમરજન્સી ક્રેડીટ લાઈન ગેરંટી સ્કીમની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે. હવે 31 માર્ચ 2021 સુધી તેનો લાભ મળશે. અત્યાર સુધીમાં 61 લાખ લોકોને તેનો લાભ મળ્યો છે.
તેઓએ કહ્યું કે કામત સમીતીની ભલામણોના આધારે દબાણ હેઠળ રહેલા 26 ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે તેમાં આરોગ્ય ક્ષેત્ર પણ સામેલ છે. નાના ઉદ્યોગોને પણ લાભ મળશે. કંપનીઓને એક વર્ષ સુધી 50થી 500 કરોડ સુધીની લોન પર એક વર્ષનું મોરેટોરીયમ અપાશે. આ યોજના 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે.
તેઓએ દાવો કર્યો હતો કે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. જીએસટી વસુલાતમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ-વિજળીનો વપરાશ વધ્યો છે. આર્થિક રિકવરી ધારણા કરતા વ્હેલી આવવાનો આશાવાદ રિઝર્વ બેંકે પણ દર્શાવ્યો છે. રેટીંગ એજન્સી મુડીઝે ભારતના રેટીંગમાં સુધારો કર્યો છે.
ભારતમાં રેલવેમાં પરિવહન 20 ટકા વધ્યુ છે. બેંક ધિરાણમાં પાંચ ટકાની વૃદ્ધિ થઈ છે. ઓકટોબરથી ડિસેમ્બર સુધીમાં અર્થતંત્રમાં સુધારો થશે. વિદેશી રોકાણમાં વધારો થયો છે. વિદેશી ભંડોળ 560 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. તેઓએ દાવો કર્યો હતો કે આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉઠાવાયેલા કદમથી કામદારોને ઘણો ફાયદો થયો છે. ખેડુતોને પણ લાભ આપવાના પ્રયત્નોના સારા પરિણામ મળ્યા છે. 157.44 લાખ કિસાનોને કિસાન ક્રેડીટ કાર્ડ મારફત બે તબકકે 143262 કરોડ આપ્યા છે. આત્મનિર્ભર ભારત-1 હેઠળ ઘણો લાભ થયો છે. વન નેશન વન રાશનનો અમલ કરાવાયો છે. તેનાથી 68.6 કરોડ લોકોને લાભ મળ્યો છે.
શહેરી આવાસ માટે વધુ 18000 કરોડ
નાણાંપ્રધાને કહ્યું હતું કે વડાપ્રધાન શહેરી આવાસ યોજના હેઠળ વધારાના 18000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને તેનાથી વધુ 30 લાખ આવાસ માટે લાભ થશે. આ રકમ બજેટમાં જાહેર કરાયેલ 8000 કરોડ ઉપરાંતની છે. આ કદમથી 78 લાખ લોકોને રોજગારીની તક મળશે.