મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી જીઆઈડીસી વસાહતો તથા અન્ય આનુસંગિક બાબતોની સમીક્ષા કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં રમકડાં ઉદ્યોગો માટે અલાયદો ટોય પાર્ક બનાવવા ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા જીઆઈડીસીને જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જીઆઈડીસીના અધ્યક્ષ બલવંતસિંહ રાજપૂત તથા મેનેજિંગ ડિરેક્ટર થેન્નારાસન સાથેની બેઠકમાં જીઆઈડીસીને ચાર-પાંચ મોડેલ વસાહતો વિકસાવવા જણાવ્યું હતું. શહેરી વિસ્તારોમાં મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગ રોડ ઊભા કરવાની માગણી આવે ત્યારે ડિમાન્ડ સર્વે કરવા, હાલ જ્યાં જીઆઈડીસી બનાવવાની પ્રક્રિયા વિલંબમાં છે ત્યાં ઝડપથી જમીન સંપાદન કરવા પણ જણાવ્યું હતું. ગિફ્ટ સિટીમાં જીઆઈડીસી દ્વારા તૈયાર કરાઈ રહેલા આઈટી પાર્કમાં ઝડપ લાવવા તથા દહેજમાં ડિસેલિનેશન પ્લાન્ટ પણ ઝડપથી કાર્યરત કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.
જિંદાલ ગ્રૂપને ગુજરાતમાં રોકાણ કરવામાં રસ
મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સોમવારે જિંદાલ ગ્રૂપ JSWના ચેરમેન સાજન જિંદાલે શુભેચ્છા મુલાકાત યોજી હતી, જેમાં જિંદાલ ગ્રૂપે રાજ્યના પોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં રોકાણ માટે ઉત્સુક્તા દાખવી હતી. સ્ટીલ, પોર્ટ, સિમેન્ટ માઇનિંગ, એનર્જી અને પેઇન્ટ્સ જેવા ક્ષેત્રોમાં પ્રવૃત્ત જિંદાલ ગ્રૂપના ચેરમેને મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, તેમનું જૂથ રાજ્યમાં મૂડીરોકાણ માટે તત્પર છે.
વિવેક ઓબેરોયને સરકાર સાથે બિઝનેસ કરવામાં રસ
મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોમવારે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય પણ મળ્યા હતા, એમણે રાજ્યમાં દિવ્યાંગોને તથા JEE-IIIT જેવી પરીક્ષાઓ આપતા યુવાનોને કોચિંગ આપવા માટે રાજ્ય સરકાર સાથે સહભાગી થવા ઇચ્છા દર્શાવી હતી. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના માધ્યમથી એમણે ટોય ઉદ્યોગ ક્ષેત્રે પણ રસ દર્શાવ્યો હતો.