અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત વખતે નાયબ મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન : ડોકટરોને ટ્રેનીંગ આપવા ખાસ ટીમ અમદાવાદ પહોંચી, 30 દિવસના ગાળામાં રસીના બે ડોઝ અપાશે
ભારતમાં બનેલી કોરોનાની રસી કો-વેકસીનના 500 ડોઝ ગુજરાત આવી પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેકસીનના ડોઝ આવી ચૂકયા છે અને ઝડપથી તેનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કો-વેકસીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઇ ચૂકયું છે.
અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલની ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ પત્રકારોને સંબોધતા નીતિન પટેલે જણાવ્યું હતું કે વેકસીનનો જથ્થો આવી ગયો છે. ડોકટરોને ટ્રેનીંગ આપવા માટે એક ટીમ પણ આવી ચુકી છે. ટ્રેનીંગ પુરી થયા બાદ યોગ્ય પ્રોટોકોલ અનુસાર 500 સ્વયંસેવકોને રસીના બે ડોઝ આપવામાં આવશે. આ રસી હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. તેના બે તબક્કાના હયુમન ટ્રાયલ પૂર્ણ થયા છે. હાલ ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઇ ચુકયું છે.
વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે પ્રથમ 500 લોકોને રસીના બે ડોઝ 30 દિવસના ગાળામાં આપવામાં આવશે. ટ્રાયલમાં ભાગ લેનાર લોકોનું લીસ્ટ બની ગયું છે. પહેલો ડોઝ આપ્યા બાદ વ્યકિતની તબીયત પર સતત દેખરેખ રાખવામાં આવશે. તેમના શરીરમાં થતા તમામ ફેરફારની બારીકાઇથી નોંધ લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ ટ્રાયલ એક વર્ષ સુધી જુદા-જુદા પ્રદેશોમાં ચાલી શકે છે. ટ્રાયલમાં ભાગ લેનાર લોકોને ભારત સરકારે નક્કી કરેલા ધારાધોરણો મુજબ આપવામાં આવે છે. મુખ્યત્વે આ સ્વયંસેવકોમાં યુવાનોનો સમાવેશ થાય છે.
દર્દીની સારવાર પર કોર્ટે કોઇ ટીપ્પણી કરી નથી
નાયબ મુખ્યમંત્રી અને રાજયના આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે ગઇકાલે પત્રકારોને માહિતી આપી હતી. જેમાં સુપ્રિમ કોર્ટે કોરોના કેસ વધવા અંગે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હોવાના અહેવાલો મળ્યા હતા. આ અંગે નીતિનભાઇએ કહ્યું કે કોર્ટે કોરોના દર્દીઓની સારવાર અંગે ગુજરાત સરકારે કરેલી વ્યવસ્થા પર કોઇ ટીપ્પણી કરી નથી. પરંતુ લોકોની ભીડ ભેગી ન થાય તે માટે સરકાર યોગ્ય પગલાં લે તે માટે માર્ગદર્શન આપ્યું છે.
રાજ્યમાં સતત બીજા દિવસે નવા 1500થી વધુ કેસો, 14 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા
ગુજરાતમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. સતત બીજા દિવસે 1500થી વધુ નવા કેસો સામે આવતા લોકોમાં ફફડાટ વધી ગયો છે. અમદાવાદમાં આજે પણ સંક્રમણનો હાહાકાર મચી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ કેસો અહીં નોંધાયા છે. ગઈકાલે કોરોના પોઝીટીવ નવા 1540 કેસો સામે આવ્યા છે. જ્યારે 14 દર્દીઓના મૃત્યુ થયા છે. અને 1283 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 96 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14191 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 3906 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 201949 પર પહોંચ્યો છે. જિલ્લા મુજબ કોરોનાના નવા કેસો જોઈએ તો ગઈકાલે અમદાવાદમાં 349, સુરતમાં 277, વડોદરા 169, રાજકોટ 127, ગાંધીનગર 81, બનાસકાંઠા 57, પાટણ 49, મહેસાણા 45, જામનગર 44, ખેડા 30, પંચમહાલ 27, અમરેલી 26, ભરૂચ 26, મોરબી 24, સાબરકાંઠા 21, આણંદ 20, સુરેન્દ્રનગર 20, જૂનાગઢ 20, કચ્છ 19, ભાવનગર 19, મહીસાગર 18, દાહોદ 16, ગીર સોમનાથ 9, બોટાદ 8, નવસારી 7, અરવલ્લી 6, દેવભૂમિ દ્વારકા 6, છોટા ઉદેપુર 5, નર્મદા 4, પોરબંદર 4, તાપી 4, વલસાડમાં 3 કેસ નોંધાયા હતા.