તમામ ઝોનને તૈયારી પૂર્ણ કરી લેવા આદેશ: મોટાભાગના સ્ટેશનો ઉપર ટ્રેનોની સાફ-સફાઈ શરૂ: સરકાર ‘ગ્રીન સિગ્નલ’ આપે એટલે ટ્રેનો દોડશે સડસડાટ
નવા વર્ષથી રેલવે યાત્રિકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. રેલવેનું સંચાલન સામાન્ય કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે અને તેને લઈને રેલવે બોર્ડ તરફથી દક્ષિણ-પૂર્વ ઝોન સહિત તમામ ઝોનને તૈયારી પૂર્ણ કરી લેવા કહેવાયું છે. આ અંતર્ગત રાંચી રેલવે મંડળે તો જોરશોરથી તૈયારી પણ શરૂ કરી દીધી છે અને તે અંતિમ તબક્કામાં છે. અનેક ટ્રેનોને તૈયાર કરી રાંચી અને હટિયા રેલવે સ્ટેશનો ઉપર ઉભી કરી દેવામાં આવી છે અને ટ્રેનની બોગીઓને ચોખ્ખી-ચણાંક કરાઈ રહી છે.
રેલવેના એન્જીન પાટા પર દોડવા માટે સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે રેલવે બોર્ડ તરફથી લીલીઝંડી મળે તેની રાહ જોવાઈ રહી છે. જેવી ત્યાંથી મંજૂરી મળી ગઈ કે ટ્રેનો દોડવાનું શરૂ થઈ જશે. અત્યારે 42 જોડી ટ્રેન દોડાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે. પ્લાન છે કે જાન્યુઆરીના અંત સુધી તમામ ટ્રેનો પાટા પર ઉતારી દેવામાં આવશે. રાંચી અને હટિયા રેલવે સ્ટેશનથી લોકડાઉન પહેલાં કુલ 54 ટ્રેનો દોડતી હતી. તેમાં 12 ટ્રેનો બે તબક્કામાં ચલાવાઈ ચૂકી છે. ત્રીજા તબક્કામાં 12 ટ્રેનોને જાન્યુઆરીના મધ્ય સુધી પાટા પર ઉતારી દેવાની યોજના છે. બાકી ટ્રેનોને જાન્યુઆરીના અંત સુધીમાં ચલાવવાની યોજના બનાવાઈ છે. રેલવે બોર્ડે દક્ષિણ-પૂર્વ ઝોનથી એ ટ્રેનોની યાદી મગાવી હતી જેને પ્રાથમિકતાના આધાર પર ચલાવવામાં આવનાર છે. આ પછી ઝોનથી સંબંધિત ટ્રેનોની યાદી રેલવે બોર્ડને મોકલી દેવાઈ છે.
સૂત્રોની માનીએ તો રેલવે બોર્ડ એક-એક કરીને આ ટ્રેનોને પાટા પર ઉતારવા માટે ગ્રીન સિગ્નલ આપશે. ટ્રેનોમાં રાંચી-અજમેર ગરીબ નવાઝ એક્સપ્રેસ, હટિયા-યશવંતપુર-બેંગ્લોર કેન્ટોન્ટમેન્ટ એક્સપ્રેસ, હટિયા પટના એક્સપ્રેસ ટ્રેન નં.18626 સહિતની ટ્રેનો સામેલ છે.
રાંચી અને હટિયા રેલવે સ્ટેશનથી અત્યારે 12 ટ્રેનો દોડી રહી છે જેમાં રાંચી રાજધાની સુપરફાસ્ટ ટ્રેન, રાંચી નવીદ્હિી રાજધાની એક્સપ્રેસ, રાંચી હાવડા શતાબ્દી એકસપ્રેસ, રાંચી હાવડા સહિતનો સમાવેશ થાય છે. 31 જાન્યુઆરી સુધી ટ્રેનોના પરિચાલનને સામાન્ય કરવાની કોશિશ થઈ રહી છે. યાત્રિકોને પરેશાની ન થાય તે માટે રેલવે કવાયત કરી રહ્યું છે. જેમ જેમ રેલવે બોર્ડનો નિર્દેશ મળતો જશે તેમ તેમ દક્ષિણ પૂર્વ ઝોનની ટ્રેનો દોડાવવામાં આવશે.