ભારતમાં દરેકેદરેક ગરીબના આવાસમાં નિ:શુલ્ક વીજપુરવઠો પૂરો પાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાન મંત્રી સહજ બીજલી હર ઘર યોજના ‘સૌભાગ્ય’ યોજનાનો સોમવારે શુભારંભ કર્યો હતો.
દરીદ્રોના ઘરમાં મફતમાં વીજ જોડાણ પૂરું પાડવા માટે સૌભાગ્ય યોજના ઘડાઈ છે. તેનો કુલ ખર્ચ ૧૬,૩૨૦ કરોડ રૂપિયાનો છે તેમ જ બહુધા કેન્દ્ર સરકાર દ્વારા જ નાણાભંડોળ આપવામાં આવશે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું. ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં ભારતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઘેર ઘેર વિદ્યુત ઉજાસ પ્રસરી જશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિને વકતવ્ય આપતા મોદીએ કહ્યું હતું કે ગરીબોને મફતમાં વીજાણુ જોડાણ પૂરા પાડવા માટે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. ભારતને આઝાદી મળ્યે ૭૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં પણ પચીસ કરોડ કુટુંબમાંથી ચાર કરોડ કુટુંબ પાસે વીજળી નથી. તેમણે કહ્યું હતું કે અગાઉ ગ્રામીણ વિસ્તારો માટે ૨૦૧૯ના માર્ચ સુધીની મુદત નક્કી કરાઈ હતી પણ હવે ૧-૫-૨૦૧૮ની મુદત નક્કી કરાઈ છે. આ બાબતમાં કામકાજની શૈલી તથા જ્વલંત ઈચ્છા શક્તિનું પ્રતિબિંબ પડે છે. અગાઉ વીજપુરવઠો ખોરવાઈ જાય, વિદ્યુત ઊર્જા માટે પ્લાન્ટ પાસે કોલસાની અછત હોય એવા સમાચાર ‘બ્રેકિગ ન્યૂઝ’માં ઝળકતા હતા. હવે સંજોગો સમૂળગા બદલાયા છે. હવે વીજળીની અછતને બદલે વધારે વિદ્યુત પુરવઠો જોવા મળશે.
નરેન્દ્ર મોદીએ ૨૫મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિને આ યોજનાનો શુભારંભ કર્યો હતો.
સૌભાગ્ય યોજના માટે ગ્રોસ બજેટરી સપોર્ટ (જીબીએસ) ૧૨,૩૨૦ કરોડ રૂપિયાનો છે. ગ્રામીણ વિસ્તાર માટે કુલ અંદાજિત ખર્ચ ૧૪,૦૨૫ કરોડ રૂપિયાનો છે જ્યારે જીબીએસ ૧૦,૫૮૭.૫૦ કરોડ રૂપિયાનો છે. જ્યારે શહેરી વિસ્તાર માટે ૨૨૯૫ કરોડ રૂપિયાનો અંદાજીત ખર્ચ દર્શાવ્યો હતો. જ્યારે જીબીએસ ૧૭૩૨.૫૦ કરોડ રૂપિયાનો છે.
વર્ષ ૨૦૧૧ના સામાજિક આર્થિક અને જ્ઞાતિ સેન્સસ (એસઈસીસી)ની આંકડાકીય માહિતી મુજબ મફત વીજજોડાણના લાભ લેનારાઓની અલગ તારવણી કરવામાં આવશે.
દેશભરમાં ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ લિમિટેડ આ યોજનાના અમલીકરણ માટે મંજૂરીનું મત્તું મારનાર સંસ્થા બનશે.
જીએઆરવી પોર્ટલ અનુસાર ૧૮,૪૫૨ ગામડામાંથી ૧૪,૪૮૩ ગામડામાં અત્યાર સુધી વીજ જોડાણ પૂરું પાડવામાં આવ્યું છે.