રામ કૃષ્ણ મિશનમાં પૂજા પણ કરી
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારો આજના યુગમાં પણ સુસંગત હતા.
પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા અમિત શાહે સ્વામી વિવેકાનંદના પૈતૃક ઘરની મુલાકાત લીધી હતી. એ પહેલાં તેમણે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસની સ્મૃતિમાં ચાલતા રામકૃષ્ણ મિશનમાં પૂજા-પ્રાર્થના કર્યા હતા.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે આજના યુવાનોએ સ્વામી વિવેકાનંદના જીવન પરથી પ્રેરણા લઇને આગળ વધવાની હાકલ કરી હતી. ત્યારબાદ અમિત શાહ મિદનાપોર જવા રવાના થયા હતા. આજે મિદનાપોરની તેમની રેલી બાદ રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના ખાસ માણસો ગણાતા શુભેન્દુ અધિકારી અને બીજા કેટલાક લોકો ભાજપમાં જોડાવાના છે.
એ વિશે બોલતાં શુક્રવારે મમતાએ કહ્યું હતું કે ટીએમસી તો વિશાળ વટવૃક્ષ છે. બેચાર ડાળી તૂટી પડે તેથી પક્ષને આંચ આવવાની નથી. જો કે ભીતરથી મમતા ખળભળી ચૂક્યાં છે. એક તરફ ભાજપ અને બીજી તરફ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી લડવાના છે એેટલે આ વખતે ચૂંટણી રસાકસી ભરેલી થવાની છે. મમતા એ હકીકત બરાબર સમજે છે એટલે પોતાના રીસાયેલા બીજા સાથીદારોને સાચવવા એ દોડધામ કરી રહ્યાં હતાં.