દેશમાં 3006 કેન્દ્રોમાં પ્રથમ દિવસે જ 3 લાખ 600 લોકોને વેકસીન આપવા તૈયારી : નવો વૈશ્વિક રેકોર્ડ બનશે: સવારે 10.30ના ટકોરે વેકસીનના પ્રથમ ડોઝ માટે લીલીઝંડી આપશે મોદી: મહત્વપૂર્ણ આયોજન : કોરોનાના મોખરાના યોદ્ધાઓને પ્રથમ વેકસીનેશન: ગુજરાતમાં મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અમદાવાદ સીવીલમાં વેકસીનેશન કરાવશે
લગભગ એક વર્ષથી વધુ લાંબા કોરોના વાયરસ સંક્રમણ કાળમાં આશાનો સૂરજ આવતીકાલે દેશમાં ઉગશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી કાલે સવારે 10.30 કલાકે દેશમાં કોરોના વેકસીનેશન-ટીકાકરણનો 3006 વેકસીન સેન્ટર પર વર્ચ્યુઅલ હાજરીથી પ્રારંભ કરાવશે.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ અમદાવાદમાં સીવીલ હોસ્પીટલમાં આ વેકસીનેશન પ્રારંભ સમયે ઉપસ્થિત રહેશે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેના સંક્રમણમાં બે વેકસીન કોવિશિલ્ડ અને કોવિકસીન નું વિતરણ કરી દેવામાં આવ્યું છે અને દરેક કેન્દ્ર પર અંદાજે 100 લોકોને કાલે પ્રથમ દિવસ વેકસીનેશન કરવામાં આવશે અને પ્રથમ દિવસે અંદાજે 3 લાખ 600 લોકોને વેકસીન અપાશે.
દેશમાં સૌ પ્રથમ કોરોનાની કામગીરી સાથે સીધા સંકળાયેલા તબીબી અને પેરામેડીકલ સ્ટાફને કોરોના વેકસીન આપવામાં આવશે.જેમાં સરકારી ઉપરાંત ખાનગી ક્ષેત્ર અને છેક આંગણવાડીના કાર્યકર્તાઓને પણ આવરી લેવાયા છે. સરકારે આ માટે એક મહત્વપૂર્ણ ચેઈન ગોઠવી છે. વિશ્વનું આ સૌથી મોટુ વેકસીનેશન હશે અને તેનું સતત લાઈવ મોનેટરીંગ પણ થશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે કેન્દ્રો અમદાવાદ અને રાજકોટમાં સતત દેશભરમાં પસંદગીના મથકોમાં વેકસીનના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કરી શકે છે અને તેનું લાઈવ પ્રસારણ થશે.
કેન્દ્ર સરકારે બન્ને વેકસીનના 1.65 કરોડ ડોઝ દેશભરમાં વિતરણ કરી દીધા છે અને તે છેક વેકસીનેશન બુથ સુધી આજે પહોંચી જશે.સરકારે જેઓને વેકસીન આપવાની છે તેઓને જ એમએમએસની સ્થળ-સમય સાથે આમંત્રીત કર્યા છે જેથી વેકસીનેશનમાં કોઈ ગડબડ કે ગીરદી સર્જાય નહી. જેમ જેમ વેકસીનેશન આગળ વધતુ જશે તેમ તેમ કેન્દ્રની સંખ્યા પણ વધારવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જ આ સમગ્ર કામગીરી ચાલે છે. વિશ્ર્વમાં કોઈ એક જ દિવસમાં 3.06 લાખ લોકોને વેકસીનેશન થયું હોય તે પ્રથમ ઘટતા હશે. આ તમામ લોકોને 28 દિવસ પછી એ જ કેન્દ્ર પર વેકસીનેશનનો બીજો ડોઝ આપવામાં આવશે અને પ્રથમ ડોઝ 14 દિવસ બાદ વેકસીનની અસર દેખાવા લાગશે. દરેક કેન્દ્ર પર જરૂરી વેકસીન ડોઝ કરતા 10% વધુ ડોઝ ઉપલબ્ધ બનાવાયા છે.