-વૉશિંગ્ટન ડીસી અભેદ્ય કિલ્લા જેવું બની ગયું છે
-ટ્રમ્પના સમર્થકો હિંસા ન આચરે માટે લશ્કરી બંદોબસ્ત
અમેરિકાના નવા વરાયેલા પ્રમુખ જો બાઇડન આજે અમેરિકાના 46મા પ્રમુખ તરીકે સોગન લેશે. ભારતીય સમય મુજબ રાત્રે સાડા દસ વાગ્યે આ સમારોહ શરૂ થશે.
વિદાય લઇ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના સમર્થકો આ પ્રસંગે હિંસક દેખાવો ન કરે એ માટે વૉશિંગ્ટન ડીસીને એક અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા આપવામાં આવી હતી. નેશનલ ગાર્ડના સશસ્ત્ર જવાનો આખા શહેરમાં સંવેદનશીલ સ્થળોએ ગોઠવાઇ ગયા હતા.
ગયા પખવાડિયે ટ્રમ્પના સમર્થકોએ હિંસા આચરી હતી એ સંસદ ભવન એટલે કે કેપિટલ હિલમાં વધુ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ જ્હૉન રોબર્ટ્સ અમેરિકી સમય મુજબ બાર વાગ્યે જો બાઇડનને પ્રમુખ તરીકે અને કમલા હેરિસને ઉપપ્રમુખ તરીકે સોગન લેવડાવશે. કેપિટલના વેસ્ટ ફ્રન્ટમાં જ્યાં સોગનવિધિ યોજાવાનો છે ત્યાં નેશનલ ગાર્ડના 25 હજાર જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા.
78 વર્ષના બાઇડન પોતાના પરિવારના 127 વર્ષ જૂના બાઇબલની પ્રત સાથે સોગન લેશે. એ સમયે તેમનાં પત્ની જીલ બાઇડન આ બાઇબલ પોતાના હાથમાં આદરપૂર્વક ધરી રાખશે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી વયના પ્રમુખ તરીકે બાઇડન આવ્યા છે. સોગનવિધિ પૂરો થયા બાદ બાઇડન રાષ્ટ્રજોગું ટૂંકું પ્રવચન કરશે.
અગાઉ જાહેર કર્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ આ સોગનવિધિ સમારોહમાં હાજરી આપવાના નથી. જો બાઇડનના રાષ્ટ્રજોગા ઐતિહાસિક પ્રવચનનો મુસદ્દો મૂળ ભારતીય કૂળના અમેરિકી નાગરિક વિનય રેડ્ડી તૈયાર કરી રહ્યા હતા.
ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસ (ઉંમર વર્ષ 56) પહેલી બિનગોરી અને પહેલી સાઉથ એશિયન મહિલા સોગન લેશે. કમલાને સુપ્રીમ કોર્ટની પહેલી લેટિન મહિલા જસ્ટિસ સોનિયા સોટોમેયર સોગન લેવડાવશે. આ જ મહિલા જસ્ટિસે 2013માં જો બાઇડનને ઉપપ્રમુખ તરીકે સોગન લેવડાવ્યા હતા. કમલા હેરિસ બે બાઇબલ હાથમાં રાખશે. એક બાઇબલ એમની ફેમિલી ફ્રેન્ડ રેગિના શેલ્ટનની માલિકીનું છે અને બીજું અમેરિકાની સુપ્રીમ કોર્ટના પહેલા આફ્રિકી મૂળના ન્યાયમૂ્ર્તિ જસ્ટિસ થુરગૂડ માર્શલનું હશે.