પ્રથમ 6 દિવસમાં દેશમાં 10 લાખ લોકોને વેકસીન આપી દેવાઈ : સૌથી ઝડપી સમયમાં 10 લાખ લોકોને કોરોના સામે સુરક્ષિત કરાયા: કુલ 16 લાખનું વેકસીનેશન : આડ અસરમાં પણ ભારતમાં સૌથી ઓછા કેસ: આંધ્ર-તેલંગાણામાં ગત સપ્તાહે બે આરોગ્ય કર્મચારીના મૃત્યુની તપાસ
દેશમાં તા.16 જાન્યુઆરીના કોરોના વેકસીનેશનના પ્રારંભ બાદ 10 લાખ લોકોને વેકસીન આપવામાં વિશ્ર્વમાં સૌથી ઓછા 6 દિવસ જ લાગ્યા છે અને બ્રિટનમાં પ્રથમ 10 લાખનો આંકડો 18 દિવસ તથા અમેરિકામાં 10 દિવસનો સમય લાગ્યો હતો. ભારતમાં તા.24 જાન્યુ. સુધીમાં 15,82,201 લોકોને એકશન આપવામાં આવી છે. જયારે શનિવાર તથા કેટલાક રાજયોમાં રવિવારે પણ વેકસીનેશન ચાલુ રહ્યું છે. દેશમાં કુલ 27920 સેસનમાં વેકસીનેશન થયું હતું અને હવે વેકસીનેશનનો પ્રભાવ પણ દેશમાં જોવા મળી રહ્યો છે અને દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. જો કે અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 2 કરોડ લોકો, બ્રિટનમાં 63 લાખ, ચીનમાં 1.5 કરોડ, જર્મનીમાં 16.3 લાખ ઈઝરાયેલમાં 24 લાખ લોકોને વેકસીન અપાઈ છે.
ભારત હવે વેકસીનના વધુ ડોઝ ઉપલબ્ધ થતા હોવાની ઉડાન સાથે જોડાયેલા લોકોને પણ વેકસીનની પ્રાયોરીટીની યાદીમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે. જો કે અગાઉની પ્રાયોરીટી યાદીમાં ઉડાન ક્ષેત્રના લોકોને સમાવાયા ન હતા. સરકારે 30 કરોડ લોકોને વેકસનેશનથી કોરોના સામે સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે.
કોરોનાની વેકસીનમાં એક તરફ પુના લેબની કોવિશિલ્ડ હવે બ્રાઝીલ-બાંગ્લાદેશ-શ્રીલંકા સહિતના દેશોને ભારતે શુભેચ્છાના પ્રતીક રૂપે આપવાનું શરૂ કર્યુ છે. આમ ભારત વિશ્ર્વમાં વેકસીન આપનાર પણ પ્રથમ દેશ બની ગયો છે અને વિશ્ર્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓએ પણ ભારતના આ વલણની પ્રશંસા કરી છે અને ગુજરાત સહિતનાં રાજયોને હૈદરાબાદની ભારત બાયોટેકની કોવિકિસન પણ આપવામાં આવશે.
દેશમાં જો કે કોરોના વેકસીન સાથે જોડાયા. સીધી આડઅસરના 123 કેસ પ્રથમ આઠ દિવસમાં નોંધાયા છે. બીજી તરફ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કોરોના વેકસીન લીધા બાદ આરોગ્ય કર્મચારીઓના મૃત્યુ થતા નવો વિવાદ સર્જાયો. આંધ્રપ્રદેશમાં 42 વર્ષના એક આશાવર્કર લક્ષ્મીને તા.19ના રોજ વેકસીન આપવામાં આવી હતી અને તેમનું સ્વાસ્થ્ય લથડતા ગંતુરની હોસ્પીટલમાં દાખલ કરાયા હતા અને તા.21ના રોજ તેમનું મૃત્યુ થતા તેમના મૃતદેહને ઓટોપ્સી માટે મોકલાયા છે જેની મૃત્યુના સાચા કારણની જાણ થઈ શકશે. આ જ રીતે તેલંગાણામાં 45 વર્ષીય એક મહિલા આરોગ્ય કર્મચારીને વેકસીન લીધા બાદ બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. તેના મૃત્યુના કારણની પણ તપાસ થશે. જો કે બન્નેના મૃત્યુ વેકસીનની અસરના કારણે જ થયા છે તે હજુ નિશ્ર્ચિત નથી.