પાવાગઢ શક્તિપીઠ ખાતે આસો નવરાત્રીના ચોથા નોરતે રવિવારની રજાને લઇને શનિવારની મોડ રાતથી જ પાવાગઢને જોડતા માર્ગો પર જય માતાજીના ઘોષથી માઇ ભકતોનો સેલાબ અવિરત પ્રવાહની જેમ આગળ વધી રહ્યો હતો. પગપાળા તેમ જ રોપવે દ્વારા મંદિરે પહોંચેલા ત્રણ લાખ ઉપરાંત ભક્તોએ માંના ચરણોમાં શીશ નમાવી પોતાની જાતને ધન્યતા અનુભવી હતી. ભક્તોના ધસારાને લઇ ત્રણ વાગ્યે મંદિરના નિજદ્વારા ખુલ્લા કરવામાં આવ્યાં હતા. વહીવટી તંત્ર અને પોલીસના સુચારા આયોજનને પગલે મંદિર તરફ જતા યાત્રાળુઓને રોપવેના કોટથી મંદિર પરીસર સુધી ત્રણ તબક્કામાં વહેંચી તબક્કાવાર આગળ ધપાવતા ભીડ જામી હતી. રોપ વે દ્વારા ટિકિટનું બુકિંગ શરૂ કરી ચાર વાગે રોપ વે સેવા શરૂ કરાઇ હોવાં છતાં લાંબી કતારો લાગવના પગલે કલાકો સુધી પેસેન્જરોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો. યાત્રાળુઓની સુરક્ષા અને સલામત માટે પોલીસે તંત્ર દ્વારા તળેટીથી ડુંગર સુધીના રસ્તા પર પોલીસ પોઇન્ટ ઊભા કરી ડોગ સ્કોવોડ, બૉમ્બ સ્કોવોડ દ્રારા ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભારે ધસારા પગલે તળેટી બસસ્ટેન્ડ રોડની બંને બાજુ બે બે કિલોમીટર સુધી વાહનો પાર્ક કરાયા હતા.