કોરોના મહામારીના પ્રસારને અટકાવતા પગલાંના ભાગરૂપે કેન્દ્ર સરકારે રવિવારે સિનેમાહોલ અને થિયેટર માટે સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જારી કરી હતી. નવી એસઓપી અનુસાર કેન્દ્ર સરકારે સિનેમાહોલ અને થિયેટરને ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે ફિલ્મો પ્રદર્શિત કરવાની પરવાનગી આપી દીધી છે. સોમવારથી દેશભરમાં સિનેમાહોલ અને થિયેટર ૧૦૦ ટકા પ્રેક્ષક ક્ષમતા સાથે કામ કરી શક્શે પરંતુ ઓડિટોરિયમની બહાર કોમન એરિયા અને વેઇટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. મલ્ટિપ્લેક્સને ભીડ એકઠી થતી અટકાવવા માટે શો ટાઇમિંગ અલગ અલગ રાખવાની તાકીદ કરાઇ છે. સિનેમાહોલ, થિયેટર અને મલ્ટિપ્લેક્સે ઇન્ટરવલનો સમય લાંબો રાખવાનો રહેશે જેથી ઓડિટોરિયમમાં બેઠેલા પ્રેક્ષકો વારાફરથી બહાર જઇ શકે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એસઓપી અનુસાર કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલા સિનેમાહોલમાં ફિલ્મ પ્રદર્શિત કરી શકાશે નહીં. ૨૭મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનમાં સિનેમાહોલને ૫૦ ટકા કરતાં વધુ પ્રેક્ષક ક્ષમતાની પરવાનગી આપવામાં આવી હતી. તે ઉપરાંત સામાન્ય જનતા માટે સ્વિમિંગ પૂલ ખોલવાની પણ પરવાનગી અપાઇ હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, ફિલ્મના પ્રદર્શન માટેની એસઓપી જારી કરી દેવાઇ છે. ૧ ફેબ્રુઆરીથી ૧૦૦ ટકા પ્રેક્ષકોને પરવાનગી આપવામાં આવી છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનનું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.