કાલથી વેકસીનનો બીજો ડોઝ આપવાની કામગીરી પણ પ્રથમ ડોઝમાં ફકત 70 લાખનું વેકસીનેશન : 30 કરોડ ટાર્ગેટ લોકોને વેકસીન આપવા માટે હાલની ગતિ અત્યંત ધીમી: ઉત્પાદીત થયેલી વેકસીન 3 માસ બાદ એકસપાયર થઈ જશે: ખાનગી ક્ષેત્રનો સહયોગ લેવા તૈયારી:હવે તા.16થી શરૂ થયેલા વેકસીનેશનનો બીજો ડોઝ આપવાનું કાલથી શરૂ: કામગીરી વધી જશે
દેશમાં તા.16 જાન્યુઆરીથી વેકસીનેશનનો જે પ્રારંભ થયો છે તે વિશ્વમાં સૌથી ઝડપી વેકસીનેશન પ્રોગ્રામ હોવાનો દાવો થઈ રહ્યો છે. જો કે હજું વેકસીનેશનનો પ્રથમ તબકકો ચાલુ છે અને તેમાં પણ જેઓને સામેલ કરવામાં આવ્યા છે. તેઓને 28 દિવસ બાદ આવતીકાલથી બીજો ડોઝ આપવો પડશે. આમ પ્રથમ તબકકાના બીજા ડોઝ અને બીજા તબકકાના પ્રથમ ડોઝ બન્ને કામગીરી એક સાથે કરવાની રહેશે અને તે હાલના જ વેકસીનેશન તંત્રએ કરવાની હોવાથી હવેનું વેકસીનેશન એક મોટો પડકાર બની રહેશે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં હજુ ફકત હાઈરીસ્ક કેટેગરી એટલે કે આરોગ્ય સેવા અને કોરોનાના ફ્રન્ટલાઈન યોદ્ધાઓને વેકસીન અપાઈ રહી છે. હાલ દેશમાં 70 લાખથી વધુને વેકસીન અપાઈ છે પણ દેશમાં જે રીતે કોરોનાથી સંક્રમણની ‘હાઈ રીસ્ક’ કેટેગરીમાં આવતા 30 કરોડ લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ સરકારનો છે પણ તેને પહોંચી વળવા માટે દેશમાં રોજના હાલ અંદાને 3 લાખ લોકોને વેકસીન આપવામાં આવે છે પણ તે ગતિ વધારીને રોજના 30 લાખ લોકોને વેકસીનનો ડોઝ આપવો પડશે. આ પ્રક્રિયા ડબલ ડોઝ આપવા પડે છે એટલે વધુ જટીલ બની છે અને તેની સાથે એ પણ ચિંતા કરવાની છે કે વેકસીનની સેલ્ફલાઈફ એટલે કે તેની ઉત્પાદન તારીખથી 3 માસમાં તેનો ઉપયોગ કરી લેવો જરૂરી છે. નહીતર આ કરોડો વેકસીન ડોઝ એકસપાયર થઈ જાય અને તેને ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહી. પબ્લીક હેલ્થ ફાઉન્ડેશનના લાઈફ સાયન્સ વિ.ના વડા ગિરીધરણ બાબુ કહે છે કે આપણે હાલના વેકસીનેશનની ઝડપ 15 દિવસ વધારવી પડશે અને તેથીજ હવે વેકસીનેશનમાં ખાનગી ક્ષેત્રની સહાય લેવાય તે પણ શકય છે. હાલ સરકારે નિશ્ચિત કરેલા કેન્દ્રો પર અને જે ટાર્ગેટ પીપલ છે તેઓને વેકસીન આપવામાં આવી રહી છે. હજુ જેઓ પ્રથમ યાદીમાં છે તેઓમાં પણ એક મોટી સંખ્યાના લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો નથી. બેંગ્લોરમાં ટાર્ગેટ કરતા ફકત 12% લોકોને જ વેકસીન આપી શકાઈ છે અને ચેન્નઈમાં પણ આ પ્રમાણ નીચું છે. ભારતે ભલે 70 લાખને વેકસીન આપી છે પણ તેની વસ્તી અને જે લોકો કોરોના સંક્રમીત થઈ શકે છે તેમાં પ્રતિ 100 લોકોએ વેકસીનેશનનું પ્રમાણ વિશ્ર્વના વેકસીનેશનની સરખામણીમાં નીચું છે. દેશમાં વેકસીનની અછત નથી હાલ જે બે વેકસીન ઉપલબ્ધ છે તેના 16.50 કરોડ ડોઝ કેન્દ્રને અપાઈ ચૂકયા છે જેનો ઉપયોગ પણ થયો નથી. ભારતે તેથીજ વિશ્ર્વના અનેક દેશોને વેકસીન પહોંચાડવાનું શરુ કર્યુ છે અને વેકસીન નિર્માતા કંપનીઓને પણ એક મર્યાદામાં નિકાસની છૂટ આપી છે. હજુ 30 કરોડના ટાર્ગેટને પહોંચી વળવા 60 કરોડ ડોઝ ખરીદવાના જે કરાર થયા છે તે મુજબ પણ કેન્દ્ર એ ઝડપ વધારવી પડશે.