કોરોનાકાળ, પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવો વચ્ચે મતદારોની નિરસતાથી રાજકીય પક્ષો ચિંતાતુર... : રાજકોટ, જામનગર, ભાવનગર સહિત છ કોર્પોરેશનની પ75 બેઠક પર 2276 ઉમેદવારો મેદાનમાં : ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘુસવા ‘આપ’ સજ્જ : રવિવારે 7 વાગ્યાથી ચુસ્ત બંદોબસ્ત-નિયમો હેઠળ મતદાન
ગુજરાતના છ મહાનગરોની મ્યુનિ. કોર્પોરેશનની આવતીકાલ તા.21 ફેબ્રુઆરીના રવિવારે યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ સતર્ક બની ગયું છે. સુરક્ષા બંદોબસ્ત સાથે આ વખતે પ્રથમ વખત કોરોનાના કપરા સંજોગોમાં આકરી ગાઇડલાઇન હેઠળ મતદાન થવાનું છે. તો ભાજપ-કોંગ્રેસ સાથે પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય આ ત્રીજા વિકલ્પે છ શહેરોના અમુક વોર્ડમાં ત્રિપાંખીયો
જંગ છે.
ભાજપના ગઢ જેવા મહાનગરોમાં આ વખતે કોરોના કાળ અને તેમા પણ માંડ હળવી થયેલી દેખાતી સ્થિતિ વચ્ચ ેઉમેદવારો, નેતાઓએ માસ્ક, સામાજીક અંતર સહિતના નિયમોના ઉડાવેલા ધજાગરા બાદ કેટલું મતદાન થાય છે એ મહત્વનું બનવાનું છે. અમુક બેઠક પર કોંગ્રેસની પીછે હેટથી ભાજપને હિંમત આવી છે પણ ઉમેદવારોની પસંદગીમાં અમલી બનાવાયેલી પાટીલ ગાઇડ લાઇન કેટલી સફળ બનશે તે તા.23ના મત ગણતરીના દિવસે જ માલુમ પડશે.
કોઇ ‘ગરમ’ મુદા વગરની અને કોરોના મોંઘવારી, ઇંધણના સળગતા ભાવોના સંજોગો વચ્ચેની ચૂંટણીમાં લોકો ખૂબ નિરસ રહ્યા છે. રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકા એવી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરની ચૂંટણી યોજાવાની છે. જેની 23મીના રોજ મતગણતરી યોજાશે. જેમાં 1.14 કરોડ લોકો તેમના મત અધિકારનો ઉપયોગ કરશે. આજે શુક્રવારે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા. સાંજના પાંચ વાગ્યાથી તમામ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં જોડાશે. આ મહાનગર પાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા અપક્ષોના ઉમેદવારો વચ્ચે જંગ જામશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 575 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
મહાનગરપાલિકામાં 1,14,67,358 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. અમદાવાદમાં 48 વોર્ડ પૈકી નારણપુરા વિસ્તારની 1 બેઠક ભાજપને બિનહરીફ મળતા હવે 191 બેઠક પર 773 ઉમેદવારોએ જંગમાં ઝુકાવ્યું છે. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારોએ મેદાનમાં છે. વડોદરામાં 19 વોર્ડની 76 બેઠક ઉપર 279 ઉમેદવારો તેમનું ભાવિ અજમાવી રહ્યા છે. રાજકોટના 18 વોર્ડના 72 બેઠક ઉપર 293 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝુકાવ્યું છે જેમાં ભાજપના 72, કોંગ્રેસના 70, આપના 72 જ્યારે 20 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. જામનગર મનપામાં 16 વોર્ડની 64 બેઠકો માટે 236 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં ભાજપના 64, કોંગ્રેસના 62, આપના 248 અને 27 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાવનગરની 13 વોર્ડના 52 બેઠકો માટે 211 ઉમેદવારો તેમનું ભાવિ અજમાવી રહ્યા છે જેમાં ભાજપના 52, કોંગ્રેસના 51, આપના 39 અને 4 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આમ, 6 મનપાની 144 વોર્ડની 575 બેઠક માટે 2276 ઉમેદવારો તેમનું ભાવિ અજમાવી રહ્યા છે જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આપના 419 અને 226 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ 6 મનપામાં 11 બેઠકો ઉપર ચૂંટણી લડી શકશે નહીં માત્ર વડોદરા મનપામાં કોંગ્રેસના તમામ વોર્ડમાં ઉમેદવારો ચૂંટણી લડશે. અમદાવાદમાં 46,24,592 મતદાતાઓ, રાજકોટમાં 10,94,005, જામનગરમાં 44,89,451, ભાવનગરમાં 5,24,755, વડોદરામાં 14,46,212, સુરતમાં 32,88,343 મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
સંવેદનશીલ મથકો
6 મનપામાં ચૂંટણી પ્રક્રિયા માટે 11 હજાર 477 મતદાન મથકો પર મતદાન યોજાશે. જેમાં સંવેદનશીલ મથકો 3851 અને અતિ સંવેદનશીલ મથખો 1656નો સમાવેશ થાય છે. 13,946 ઇવીએમનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા માટે 62 હજાર કરતા વધુ પાલિંગસ્ટાફ ફરજ બજાવશે. 6 કોર્પોરશનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા 31 હજાર કરતા વધુ પોલીસ સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા ચૂંટણીપંચની સૂચનાથી સંવેદનશીલ અને અતિસંવદેનશીલ મતદાન મથકો પણ નિયત કરવામાં આવ્યા છે.