ઇ-વે બિલ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઈને ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. માર્ગ પરિવહન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોસિયેશન (AITWA) અને અન્ય સંગઠનોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છે.
દેશભરમાં 1,500 સ્થળેએ ધરણાં-પ્રદર્શન
કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું- શુક્રવારે દેશભરમાં 1,500 સ્થળ પર ધરણાં કરવામાં આવશે. બધાં બજારો બંધ રહેશે. 40 હજારથી વધુ વ્યાવસાયિક સંગઠનો સાથે સંકળાયેલા આશરે 8 કરોડ વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે.
GST સુધારાથી અધિકારીઓને વધુ અધિકાર મળે છે, વેપારીઓને માટે મુશ્કેલીઓ
કેટ અનુસાર, ગયા વર્ષે 22 ડિસેમ્બરે અને ત્યાર બાદ GST નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી હતી. હવે કોઈપણ અધિકારી કોઈપણ કારણોસર કોઈપણ વેપારી GST રજિસ્ટ્રેશન નંબર સસ્પેન્ડ અથવા કેન્સલ કરી શકે છે. બેંક ખાતાં અને સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે આ કરતાં પહેલાં વેપારીને કોઈ નોટિસ આપવામાં આવશે નહીં. એ વેપારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
ઇ-વે બિલમાં ફેરફાર થતાં ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ પરેશાન
ઇ-વે બિલની મર્યાદા 100 કિ.મી.થી વધારીને 200 કિ.મી. કરવામાં આવી હોવાથી 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ઇ-વે બિલ નિયમથી ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓ ચિંતિત છે. ખરેખર 2021-22ના બજેટમાં ઇ-વે બિલની કલમ 129માં બદલાવ કરવામાં આવ્યો છે. તદનુસાર, જો બિલમાં કોઈ ભૂલ થાય છે તો પછી ટેક્સ અને પેનલ્ટી બંને વસૂલવામાં આવશે, સાથે જ જે ટેક્સ અગાઉ પરત કરવામાં આવતો હતો એ હવે થશે નહીં. જો અજાણતાં એક નાની ભૂલ થાય છે તો પેનલ્ટી અને દંડ બેગણો વસૂલવામાં આવશે.
વિરોધમાં ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રહેશે
નવા ઇ-વે બિલ કાયદાના વિરોધમાં તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ કેટને ટેકો આપ્યો છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રહેશે. માલનું બુકિંગ, ડિલિવરી, લોડિંગ અને માલનું અનલોડિંગ બંધ રહેશે. તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓને સવારે 6થી રાત્રે 8 વાગ્યા દરમિયાન વાહનોને બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
કેટલાંક સંગઠન સામેલ નહીં થાય
ટ્રાન્સપોર્ટ સેકટર ઉપરાંત મોટી સંખ્યામાં રાષ્ટ્રીય વેપાર સંગઠનોએ પણ બંધને ટેકો આપ્યો છે. આમાં ઓલ ઇન્ડિયા FMCG ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશન, ફેડરેશન ઓફ એલ્યુમિનિયમ યુટેન્સિલ મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસ ટ્રેડર્સ એસોસિયેશન, ઓલ ઇન્ડિયા વુમન એન્ટ્રપ્રિન્યર્સ એસોસિયેશન, ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર ડીલર્સ એસોસિયેશન અને ઓલ ઇન્ડિયા કોસ્મેટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન વગેરે સામેલ છે.
જ્યારે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) અને ભાઈચારા ઓલ ઈન્ડિયા ટ્રક ઓપરેટર્સ વેલ્ફેર એસોસિયેશન (BAITOWA) વિરોધપ્રદર્શનમાં જોડાશે નહીં