ભારત વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ત્રીજા સ્થાને
2020માં દિલ્હીની હવામાં પ્રદૂષણ ફેલાવતા કણોનું પ્રમાણ બિજીંગ કરતાં બમણું હતું : વિશ્વના ટોચના 50 પ્રદૂષિત શહેરોમાંથી 35 ભારતના
નવી દિલ્હી 2020ના સળંગ ત્રીજા વર્ષે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે, એમ હવાની ગુણવત્તા માપતા સ્વિસ ગુ્રપ આઇક્યુએરે જણાવ્યું હતું. આ જૂથ એર ક્વોલિટી લેવલ ફેફસાને નુકસાન કરતા હવામાં પ્રદૂષિત કણના સ્તરના આધારે તેનું પ્રદૂષણ માપે છે. આ કણોને પીએમ2.5 કહેવાય છે.
ભારત વિશ્વના 50 પ્રદૂષિત શહેરોમાંથી 35 પ્રદૂષિત શહેરો ધરાવે છે, એમ આઇક્યુએરના 2020ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. તેમા 106 દેશોનો આંકડા એકત્રિત કરવામાં આવ્યા છે. તેના તારણનો આધાર દેશમાં પીએમ2.5ની વાર્ષિક સરેરાશ છે, જે હવામાં તરતા 2.5 માઇક્રોન્સથી પણ નાના કણો હોય છે. પીએમ2.5 સાથેના સતત લાંબા એક્સ્પોઝરના લીધે ગંભીર રોગો થાય છે,
તેમા કેન્સર અને હૃદયની તકલીફોનો સમાવેશ થાય છે. 2020માં નવી દિલ્હીમાં ક્યુબિક મીટર એરમાં પીએમ 2.5નું સરેરાશ વાર્ષિક કોન્સન્ટ્રેશન 84.1 હતું, એમ આ અભ્યાસે જણાવ્યું હતું. આ સ્તર બૈજિંગ કરતા બમણુ હતુ, જેની સરેરાશ વર્ષ દરમિયાન 37.5 હતી. બૈજિંગ વિશ્વનું 14મા નંબરનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે.
નવી દિલ્હીમાં 2020માં હવાના પ્રદૂષણના લીધે 54,000 લોકોના સમય કરતાં વહેલા મોત થયા હતા, એમ ગ્રીનપીસ સાઉથઇસ્ટ એશિયા એનાલિસિસ અને આઇક્યુએરના તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે.
પીએમ2.5ની વાર્ષિક સરેરાશમાં 11 ટકાનો ઘટાડો થયો હોવા છતાં પણ ભારત વિશ્વના ત્રીજા નંબરના સૌથી વધુ પ્રદૂષિત દેશ તરીકે ઉભરી આવ્યુ હતુ. ગયા વર્ષે લાદવામાં આવેલા લોકડાઉનના લીધે પ્રદૂષણમાં ઘટાડો થયો હોવા છતાં પણ આ સ્થિતિ છે. પહેલા નંબરે બાંગ્લાદેશ અને બીજા નંબરે પાકિસ્તાન આવે છે. ભારતમાં હવાનું પ્રદૂષણ અત્યંત જોખમી સ્તરે છે, એમ અહેવાલે જણાવ્યું હતું.
2020માં સાઉથ એશિયાએ વિશ્વનો સૌથી ખરાબ એર ક્વોલિટી રેકોર્ડ નોંધાવ્યો હતો. ગયા વર્ષે દિલ્હીના બે કરોડ રહેવાસીઓ ઉનાળાના મહિનાઓમાં થોડી સ્વચ્છ હવામાં શ્વાસ લઈ શક્યા તેનું કારણ લોકડાઉનના લીધે લાદવામાં આવેલા અંકુશ હતા. હવે તેઓ શિયાળામાં ઝેરી થયેલી હવાનો સામનો કરી રહ્યા છે.
આટલું ઓછું હોય તેમ પડોશી રાજ્ય પંજાબમાં કૃષિના કચરાને સળગાવવામાં આવતા તેનો ધુમાડો પણ તેમના સુધી પહોંચે છે. પાકના અવશેષોને બાળવાનું ટોચ પર હોય છે ત્યારે દિલ્હીના પીએમ2.5નું સ્તર 144 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર નવેમ્બરમાં જોવા મળ્યું હતું અને ડિસેમ્બરમાં 157 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું. આ સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલી વાર્ષિક એક્સ્પોઝર ગાઇડલાઇન કરતાં 14 ગણું છે.