પરીક્ષાને જીવનના સપનાના અંત તરીકે નહીં પણ અવસર તરીકે જુઓઃ વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 7:00 કલાકે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધશે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક નવું ફોર્મેટ, વિષયોની એક વિસ્તૃત શ્રૃંખલા પર અનેક દિલચસ્પ પ્રશ્ન અને આપણા બહાદુર યોદ્ધાઓ, વાલીઓ અને શિક્ષકો સાથે એક યાદગાર ચર્ચા... 7 એપ્રિલે સાંજે 7:00 કલાકે જુઓ 'પરીક્ષા પે ચર્ચા'.
વડાપ્રધાન મોદીએ આ સાથે જ એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, 'આપણે છેલ્લા એક વર્ષથી કોરોનાના પડછાયામાં છીએ અને આ કારણે મારે વ્યક્તિગત રીતે તમને મળવાનો મોહ છોડવો પડશે અને એક નવા ફોર્મેટમાં 'પરીક્ષા પે ચર્ચા'ના પહેલા ડિજિટલ સંસ્કરણમાં તમારા સાથે રહીશ.' વડાપ્રધાને વિદ્યાર્થીઓને પરીક્ષાને જીવનના સપનાના અંત તરીકે નહીં પણ અવસર તરીકે જોવાની સલાહ આપી હતી.
વીડિયોમાં આ 'પરીક્ષા પે ચર્ચા' હશે પરંતુ પરીક્ષા પૂરતી સીમિત નહીં હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. વડાપ્રધાને આ કાર્યક્રમને પોતાના દિલની ખૂબ નજીકનો ગણાવ્યો હતો અને તેમના કહેવા પ્રમાણે તેનાથી તેઓ યુવાનોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણી શકે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં શિક્ષણ મંત્રાલયે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. પહેલી વખત 81 વિદેશી વિદ્યાર્થીઓએ 'પૂર્વ પરીક્ષા પે ચર્ચા' રચનાત્મક લેખન પ્રતિયોગિતામાં ભાગ લીધો છે.