- ફેબ્રુઆરીમાં આશરે 16 વખત પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારવામાં આવ્યો હતો
પેટ્રોલિયમ કંપનીઓએ આશરે 15 દિવસ બાદ ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ પ્રતિ લિટર 16 પૈસા અને ડીઝલ પ્રતિ લિટર 14 પૈસા સસ્તું થયું હતું. તેના પહેલા સતત 15 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નહોતો થયો.
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે આશરે 5 ટકાની તેજી નોંધાઈ હતી. બ્રેંટ ક્રુડ 66.52 ડોલર પ્રતિ બેરલ આસપાસ અને WTI ક્રુડ 63.03 ડોલર પ્રતિ બેરલ આસપાસ ચાલી રહ્યું છે.
પ્રમુખ શહેરોના ભાવ
દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલ પ્રતિ લિટર 16 પૈસા સસ્તુ થઈને 90.56 રૂપિયાથી 90.40 રૂપિયાએ આવી ગયું હતું. ડીઝલ પણ પ્રતિ લિટર 14 પૈસાના ઘટાડા સાથે 80.87 રૂપિયાથી ઘટીને 80.73 રૂપિયા પ્રતિ લિટર પર આવી ગયું હતું. આ જ રીતે મુંબઈમાં પેટ્રોલ 96.82 રૂપિયા અને ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં પેટ્રોલ 90.62 રૂપિયા અને ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લિટર તથા ચેન્નાઈમાં પેટ્રોલ 92.43 રૂપિયા અને ડીઝલ 85.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.
અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પેટ્રોલ, ડીઝલની કિંમતમાં સતત વધારો થયો હતો. દેશના અનેક રાજ્યોમાં જ્યારે વિધાનસભા ચૂંટણીનો સમય આવ્યો ત્યારે માર્ચમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થોડી રાહત મળી હતી. ફેબ્રુઆરીમાં આશરે 16 વખત પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારવામાં આવ્યો હતો જેથી પેટ્રોલ 4.74 રૂપિયા મોંઘુ થઈ ગયું હતું. તે જ રીતે ડીઝલ 4.52 રૂપિયા જેટલું મોંઘુ થઈ ગયું હતું. પરંતુ ત્યાર બાદ 3 વખત કિંમતોમાં ઘટાડો થયો હતો જેથી પેટ્રોલ 61 પૈસા અને ડીઝલ 60 પૈસા સસ્તુ થઈ ગયું.