‘ટાઉટે’ વાવાઝોડાના પ્રભાવ હેઠળ 14મીથી અનેક રાજયોમાં વરસાદ-તોફાની પવનની શકયતા:હવામાન વિભાગની આગાહી: શુક્રવારે લો-પ્રેસર સર્જાશે : રવિવાર સુધીમાં મજબુત થઈને ચક્રાવાતમાં પરિવર્તિત થશે: બે દિવસમાં દિશા નકકી થશે: કચ્છ-પાકિસ્તાન અથવા ઓમાન તરફ ગતિ શકય
ભારતના પશ્ચિમ-દરીયાકાંઠા પર નવી સીઝનની પ્રથમ વાવાઝોડાની સિસ્ટમ સર્જાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં તે રવિવાર સુધીમાં તે ઉદભવી શકે છે. વાવાઝોડુ સર્જાવાના સંજોગોમાં તેને ‘ટાઉટ’ નામ આપવામાં આવશે.ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ તા.14 ને શુક્રવાર સુધીમાં દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્રમાં લો-પ્રેસર ઉભી થવાની સંભાવના છે જે પછી ઉતર પશ્ચિમ દિશામાં આગળ ધપશે. સાથોસાથ સિસ્ટમ વધુ મજબૂત થતી જશે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળના દરીયાકાંઠાના વિસ્તારો તથા લક્ષદ્વિપમાં વરસાદ તથા તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે.
આંકડાકીય મોડેલના આધારે હવામાન વિભાગે આગાહી કરતા એમ કહ્યું હતું કે લો-પ્રેસર મજબુત બનીને તા.16 ને રવિવાર સુધીમાં પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ‘સાયકલોનિક સ્ટોર્મ’ તરીકે પરિવર્તી થઈ શકે છે અને ઉતર પશ્ચિમી દિશામાં આગળ ધપતુ રહેશે.અમુક આંકડાકીય મોડલ, જોકે એવુ સુચવે છે કે વાવાઝોડાની આ સીસ્ટમ ગુજરાતના કચ્છ તથા દક્ષિણ પાકિસ્તાન તરફ પણ ફંટાઈ શકે છે. અન્ય મોડેલ તેની ઓમાન તરફ ગતિ થવાનું સુચવે છે.હવામાન ખાતાએ વાવાઝોડાની ચેતવણી આપતા વિભાગના વડા સુનિથાદેવીએ કહયું કે એકાદ-બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.શુક્રવાર સુધીમા લો-પ્રેસર ઉદભવી પછી તેની દિશા અને તે આગળ ધપવાના જમીન પર ત્રાટકવાનાં સંભવિત સ્થળની આગાહી થઈ શકશે.
તેઓએ સ્પષ્ટ કર્યું કે વર્તમાન આગાહી માત્ર આગમચેતી માટે જ છે.દરિયામાં વધુ ઉંડે ગયેલા માછીમારો પરત આવી શકે તે માટે આગોતરી સુચના રૂપે છે. 15-16 મે દરમ્યાન લક્ષદ્વિપમાં સામાન્ય કરતા વધુ એક મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. આ દરમ્યાન દક્ષિણ પૂર્વીય અરબી સમુદ્ર તેને સંલગ્ન લક્ષદ્વિપ માલદીવનાં દરીયા તથા હિન્દ મહાસાગરનાં તોફાની વાતાવરણ પેદા થવાની શકયતા છે. આ દરીયાઈ ભાગોમાં નહી જવા માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.લો-પ્રેસરના પ્રભાવથી લક્ષદ્વિપ કેરળ, તટીય કર્ણાટક, તામીલનાડુ તથા મહારાષ્ટ્રનાં ભાગોમાં હવામાન પલટા તથા ભારે વરસાદની શકયતા છે. 14-15 મીએ કેરળ, કર્ણાટક તથા તામીલનાડુમાં વરસાદ થશે.
14 મેને શુક્રવારે લક્ષદ્વિપ તથા માલદીવમાં 40 થી 50 કી.મી.ની ઝડપે પવન સથે વરસાદની સંભાવના છે. 15મીએ પવનની ઝડપ વધીને 60 થી 70 કી.મી. તથા 16 મીએ 80 કી.મી. થઈ શકે છે. કેરળ, ગોવા, કર્ણાટક તથા મહારાષ્ટ્રના તટીય ભાગોમાં પણ તોફાની પવન ફુંકાવાની શકયતા છે.સામાન્ય રીતે એપ્રિલ-મે મહિના દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી વખતે ઊતરીય હિન્દ-મહાસાગરમાં એક-બે સીસ્ટમ બનતી હોય છે. આ વર્ષે એપ્રિલમાં કોઈ વાવાઝોડુ ઉદભવ્ય ન હતું પરંતુ દ.આંદામાન સાગરમાં સીસ્ટમ બની હતી.