જંગી એક્સાઇઝ ડયૂટી અને વેટના કારણે દેશના 11 રાજ્યોમાં લિટર પેટ્રોલ 100 રૂપિયા ક્રોસ કરી ગયું, હવે ગુજરાતનો વારો આવી શકે છે
કોરોના મહામારી અને કારમી મોંઘવારી વચ્ચે દેશમાં ચૂંટણી પછી પેટ્રોલના ભાવ 34 વખત અને ડીઝલના ભાવ 33 વખત વધ્યાં છે. જંગી એક્સાઇઝ ડયુટી અને વેલ્યુ એડેડ ટેક્સના કારણે 11 રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને ક્રોસ કરી ગયો છે અને હવે ગુજરાતનો પણ તેમાં સમાવેશ થાય તેવા એંધાણ છે.
ઇંધણના ભાવવધારામાં મબલખ આવક મળતી હોવાથી કેન્દ્ર કે રાજ્ય સરકાર લોકોની યાતના ઓછી કરવા તૈયાર નથી. એનડીએની સરકારમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે પેટ્રોલ કરતાં ડીઝલની કિંમત વધારે જોવા મળી છે.
ડીઝલ ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતું સૌથી મોટું ઇંધણ છે, જેને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ સાથે સાંકળી શકાય છે. પેટ્રોલના ભાવમાં આજે 34 પૈસા અને ડીઝલમાં 18 પૈસાનો વધારો થયો છે. પ્રતિદિન વધતા જતા ભાવથી સામાન્ય નાગરિકો પરેશાન છે.
દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, જમ્મુ-કાશ્મિર, તામિલનાડુ, લદાખ, બિહાર અને ઓડિસામાં પેટ્રોલનો ભાવ લીટરે 100 રૂપિયા કરતાં પણ વધી ગયો છે. હવે દિલ્હી પણ એ જ માર્ગે છે. ભાવ નિયંત્રણ નહીં થાય તો થોડાં દિવસોમાં ગુજરાતમાં પણ પેટ્રોલ 100 રૂપિયે મળશે.
ભારતની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 99.51 રૂપિયા થયો છે જ્યારે મુંબઇમાં 105.58 રૂપિયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિદિન સવારે છ વાગ્યે બદલાય છે. આ બન્ને ઇંધણમાં એક્સાઇઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય વેરાને જોડવામાં આવ્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.
છેલ્લા દોઢ વર્ષમાં કોરોના મહામારી સમયે જનતા ઠપ્પ થઇ ગયેલા ઉદ્યોગ-ધંધા અને બેરોજગારીનો તીવ્ર સામનો કરી રહી છે ત્યારે નાણાકીય વર્ષ 2020-21માં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝથી 5.25 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ ઐતિહાસિક તળીયે જઇને માઇનસ ગયા હતા ત્યારે આ ઘટાડાનો લાભ રીટેલ ગ્રાહકોને આપવાના બદલે સરકારે આવક વધારવા 6ઠ્ઠી મે 2020ના રોજ એક્સાઇઝ ડયુટીમાં એક જ દિવસમાં પેટ્રોલ પર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલમાં 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ અને ચાર ટકા સેસ વસૂલ કરે છે.
આ વેરાથી સરકારને સરેરાશ પ્રતિવર્ષ 12 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે. ગઇ વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે બે વર્ષમાં સરકારે વેરા પેટે માસિક 342 કરોડ પેટ્રોલમાંથી અને 1111 કરોડ રૂપિયા ડીઝલમાંથી પ્રાપ્ત કર્યા છે. ગુજરાતમાં દર મહિને 26 કરોડ લીટર પેટ્રોલ અને 55 કરોડ લીટર ડીઝલનું વેચાણ કરવામાં આવે છે.
આપત્તિ સમયે રાજા ટેક્સ ઘટાડી ખજાનો ખુલ્લો મૂકતા...
ઐતિહાસિક ક્ષણોને વાગોળીયે તો એક સમય એવો હતો કે જનતા પર કોઇ આપત્તિ આવતી હતી ત્યારે રાજા જનતાની રખેવાળી કરીને તેમના કષ્ટ દૂર કરવા ટેક્સના ભારણ ઓછાં કરી લોકોને આર્થિક સહાય કરવા ખજાનો ખુલ્લો મૂકી દેતાં હતા.
ઇતિહાસના પાને આ ઘટનાઓ અંકાયેલી છે, પરંતુ હાલના લોકશાહી જમાનામાં સરકારની તિજોરી ભરાઇ રહી છે અને લોકોના ખિસ્સા ખાલી થઇ રહ્યાં છે અને તે પણ એવા સમયે જ્યારે સમગ્ર જનતા કોરોના મહામારીના ખપ્પરમાં હોમાયેલી છે. ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એટલો બઘો વધારો થયો છે કે લોકોને પરવડે તેમ નથી.
એક તરફ કોરોના બિમારીના ખર્ચા, બાળકોના અભ્યાસના ખર્ચા, મોંઘવારીમાં ચીજવસ્તુ મેળવવાના ફાંફા, પ્રાઇવેટ નોકરી કે રોજગારી છીનવાઇ ગઇ હોવાથી ઘરના બે છેડાં ભેગા કરવાની ખરાબ સ્થિતિ ભૂતકાળમાં ક્યારેય આવી નથી. કુદરતી આપત્તિઓમાં પણ ભારત અને ગુજરાતની જનતા આટલી બઘી નિરાશ થઇ નથી, જે હાલના સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવવધારા અને તેના કારણે વધી રહેલી મોંઘવારીથી નિરાશ છે.
અમદાવાદમાં છેલ્લા બે મહિનામાં પેટ્રોલની કિંમતમાં 10%નો વધારો
છેલ્લા બે મહિનામાં પેટ્રોલના વેચાણમાં 16%, ડીઝલના વેચાણમાં 18%નો ઘટાડો
પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવ સામાન્ય નાગરિકો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જી રહ્યા છે. અમદાવાદમાં આજે પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત 34 પૈસા વધીને હવે રૂ. 96.42 જ્યારે ડીઝલની કિંમત 18 પૈસા વધીને રૂ. 96.29 થઇ ગઇ છે.
અમદાવાદમાં 3 મેના પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત રૂ. 87.64 હતી. આમ, બે મહિનામાં પેટ્રોલની કિંમતમાં અંદાજે 10%નો વધારો થયો છે. અમદાવાદમાં ફેબુ્રઆરી માસ દરમિયાન પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત રૂ. 84.01 હતી. આ પછી માર્ચમાં પેટ્રોલની સર્વોચ્ચ કિંમત રૂ. 88.39, એપ્રિલમાં રૂ. 87.80, મે માં રૂ. 91.21 નોંધાઇ હતી.
આમ, છેલ્લા 6 મહિનામાં અમાદાવાદમાં પેટ્રોલની કિંમતમાં અંદાજે 15%નો વધારો નોંધાયો છે. પેટ્રોલની કિંમતમાં થઇ રહેલા સતત વધારાથી ગુજરાતમાં પેટ્રોલના ઉપયોગના પ્રમાણમાં છેલ્લા બે મહિનાથી 16%નો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે માર્ચમાં 2.68 લાખ કિલો લીટર, એપ્રિલમાં 2.24 લાખ કિલો લીટર, મે માં 2.26 લાખ કિલો લીટર પેટ્રોલનું વેચાણ થયું હતું.
બીજી તરફ માર્ચમાં ડીઝલનું 6.08 લાખ લીટર, એપ્રિલમાં 5.05 લાખ લીટર, મે માં 5.01 લાખ લીટર વેચાણ થયું હતું. આ સ્થિતિએ ડીઝલના વેચાણમાં એપ્રિલમાં 17%, મે માં 18%નો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 10 દિવસમાં જ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં રૂ. 1.69નો વધારો નોંધાયો છે. હાલ સુરતમાં પ્રતિ લીટરે પેટ્રોલની કિંમત રૂ. 96.51 અને ડીઝલની કિંમત રૂ. 96.40 છે.