વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી અચાનક રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાશે. આ માટે ધારાસભ્ય દળની બપોરે બેઠક યોજાવાની છે, જે માટે ધારાસભ્યોને 2 વાગ્યે કમલમમાં હાજર રહેવાની સૂચના આપી દેવાઈ છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યો છે. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ધારાસભ્ય દળની આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા છે. હાલમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા છે.
પાટીલના ઘરે નેતાઓની બેઠક
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસની લગભગ 20થી વધારે ગાડીઓ તૈનાત છે. બપોરે 3 વાગ્યે કમલમ પર ધારાસભ્ય દળની બેઠક બાદ કાલે રાજ્યપાલ પાસેથી સમય માંગવામાં આવી શકે છે.
કમલમ્ ખાતે પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કમલમ ખાતે અત્યારે મીડીયા કર્મીઓનો જ જમાવડો દેખાઈ રહ્યો છે. ભાજપના એક પણ નેતા કમલમ ખાતે હાજર નથી માત્ર પ્રવકતા જ કમલમ ખાતે હાજર છે. મુખ્યમંત્રીની જાહેરાત માટેની તૈયારીના ભાગ રૂપે શુભેચ્છા પાઠવવા બુકે પણ મંગાવવામાં આવ્યા છે, જે કેટલાક લોકો લઈને કમલમ્ આવી રહ્યા છે.
તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના
જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ આજે ગુજરાત પહોંચી ગયા છે. વિજય રૂપાણીના રાજીનામાં બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી છે. બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
CMની રેસ માટે કોણ કોણ દાવેદાર?
રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ ચારમાંથી કોઈને CM બનાવે છે અથવા કોઈ નવો જ ચહેરો પ્રજા સમક્ષ લાવશે.
પાટીલે કહ્યું, હું સીએમ પદની રેસમાં નથી
વિજય રૂપાણીના રાજીનામા બાદ CMના પદ માટે કેટલાક નામોમાં સી.આર પાટીલનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર પાટીલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ કેટલાક નામો મુખ્યમંત્રીના પદ માટે હાલમાં ચર્ચામાં આવ્યાં છે. જેમાં એક નામ મારુ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મારે સ્પષ્ટતા કરતાં કહેવું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પાર્ટી જેને પણ મુખ્યમંત્રી બનાવશે તેની સાથે તેમજ વિજયભાઈની સાથે રહીને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલો 182 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરીશું.