ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવા માટે લખેલા પત્રમાં રાજીનામાનું કારણ દર્શાવતા વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ‘મારું માનવું છે કે હવે ગુજરાતના વિકાસની યાત્રા વડા પ્રધાનના નેતૃત્વમાં એક નવા ઉત્સાહ અને નવી ઊર્જા સાથે નવા નેતૃત્વમાં આગળ વધવી જોઈએ. આને ધ્યાનમાં રાખીને હું ગુજરાતના મુખ્ય પ્રધાનપદની જવાબદારીમાંથી રાજીનામું આપી રહ્યો છું.’
વિજય રૂપાણીએ રાજીનામા પત્રમાં શું લખ્યું છે તેની કેટલીક વિગતો અહીં તેમના જ શબ્દોમાં રજૂ કરી છે :
હું ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું કે મારા જેવા એક પાર્ટી કાર્યકર્તાને ગુજરાતના મુખ્ય પ્રધાનપદની મહત્ત્વપૂર્ણ જવાબદારી આપી. મુખ્ય પ્રધાનના રૂપમાં મળેલા આ દાયિત્વને નિભાવતા મારા કાર્યકાળ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે.
સંગઠન અને વિચારધારા આધારિત દળ હોવાના નાતે ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા છે કે સમયની સાથે-સાથે કાર્યકર્તાઓનું દાયિત્વ પણ બદલાતું રહે છે. આ અમારી પાર્ટીની વિશેષતા છે કે જે દાયિત્વ પાર્ટી દ્વારા આપવામાં આવે છે તે પૂરા મનોયોગથી પાર્ટી કાર્યકર્તા તેનું નિર્વહન કરે છે. મુખ્ય પ્રધાનના રૂપમાં મળેલી જવાબદારીનું નિર્વહન કર્યા પછી હવે મેં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી પાર્ટીના સંગઠનમાં નવી ઊર્જાની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. હવે મને પાર્ટી દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવશે તેને સંપૂર્ણ દાયિત્વ અને નવી ઊર્જા સાથે વડા પ્રધાનના નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શનમાં કામ કરીશ.
હું ગુજરાતની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. ગુજરાતની જનતાનું અભૂતપૂર્વ સમર્થન, સહયોગ અને વિશ્વાસ મળ્યો છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની તાકાત પણ બન્યો છે અને મારા માટે સતત જનહિતમાં કામ કરતા રહેવાની ઊર્જા પણ રહી છે.
કોરોનાના કઠિન સમયમાં અમારી સરકારે દિવસ- રાત અથાક મહેનત કરીને ગુજરાતની જનતાને યથાસંભવ સુરક્ષિત રાખવાના પ્રયત્ન કર્યા છે. સાથે રસીકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે અને અમે આમાં બહુબધા નવા કીર્તિમાન સ્થાપ્યા છે જેનો મને બહુ સંતોષ છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી પણ મને પ્રશાસનિક વિષયોમાં નવા અનુભવોને જાણવા – સમજવાનો અવસર મળ્યો છે અને પાર્ટીના કામકાજમાં પણ એમનો સહકાર અને સહયોગ મારા માટે અમૂલ્ય છે.