ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા પછી છ મહિનાના ગાળામાં બીજેપી શાસિત ત્રણ રાજ્યોમાં બદલાયેલા મુખ્ય પ્રધાનોની સંખ્યા ચાર પર પહોંચી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૫ મહિના પહેલાં જ વિજય રૂપાણીએ રાજ્યના મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી રાજીનામુ આપતાં આશ્ચર્ય ફેલાયું હતું.
ગયા માર્ચ મહિનામાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનપદેથી ત્રિવેન્દ્રસિંહ રાવતે રાજીનામું આપતાં તેમના સ્થાને લોકસભાના સભ્ય તીરથસિંહ રાવત બિરાજ્યા હતા. ચાર મહિના પછી જુલાઈ મહિનામાં બીજેપી હાઈ કમાન્ડે તીરથસિંહ રાવતની જગ્યાએ બે ટર્મ વિધાનસભ્ય બનેલા પુષ્કરસિંહ ધામીને બેસાડ્યા હતા. ઉત્તરાખંડ પછી કર્ણાટકમાં બી. એસ. યેદિયુરપ્પાએ રાજીનામું આપતાં મુખ્ય પ્રધાનપદે એસ. આર. બોમ્માઈ બિરાજ્યા હતા.
ઉત્તરાખંડમાં ચહેરો બદલવાના ઇરાદે તીરથસિંહ રાવતને મુખ્ય પ્રધાન બનાવાયા હતા. પરંતુ લોકસભાના સભ્ય તીરથસિંહ છ મહિનાની મુદતમાં રાજ્ય વિધાનસભામાં ન ચૂંટાયા એટલે તેમની જગ્યાએ પુષ્કર ધામીને પસંદ કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં બી. એસ. યેદિયુરપ્પા અને તેમના પુત્ર સામે સ્થાનિક બીજેપી કાર્યકરોમાં રોષ અને અસંતોષ વધતાં યેદિયુરપ્પાને હટાવાયા હતા. બીજેપીના કેટલાક ધુરંધરો માનતા હતા કે વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી જીતી શકાય નહીં. તેથી તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સવા વર્ષ પહેલાં વિદાય આપવામાં આવી હોવાનું કહેવાય છે.