હવામાન વિભાગની મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સવારમાં જ ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. પાંચ મિનીટ ધોધમાર વરસાદ વરસ્યા બાદ ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે 11 વાગ્યા બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને મુશળધાર વરસાદ શરૂ થયો છે. માત્ર અડધી કલાકમાં જ સવા ઇંચ વરસાદ વરસતા રસ્તા પાણી પાણી બની ગયા છે. બીજી તરફ ગોંડલમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.
આજે વહેલી સવારથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. બાદમાં 11 વાગ્યા બાદ ફરી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતો હજુ પણ ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યાં છે.
રાજકોટમાં આજે સવા ઇંચ વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 28 ઇંચ થયો છે. ન્યારી અને આજી ડેમમાં નવા નીરની આવક થઇ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઇ છે.
ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. ગોંડલના બસસ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપુરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.