સારા કે ખરાબ મિત્રોને આસપાસ રાખીને તમે સારો કે ખરાબ મૂડ મેળવી શકો છો તેમ નવો અભ્યાસ સૂચન કરે છે. સંશોધકોએ અમેરિકામાં કિશોરોની ટોળકીની મિત્રતાનાં નેટવર્કના આધારે મૂડનો અભ્યાસ કર્યો હતો, જેમાં મૂડ શાને કારણે ફેલાય છે તેનું કારણ શોધવામાં આવ્યું હતું. મૂડને આધારે ડિપ્રેશનનાં જુદાં જુદાં લક્ષણોનો પણ અભ્યાસ કરાયો હતો. સંશોધકોનું એવું તારણ હતું કે મિત્રોનાં નેટવર્કને આધારે વ્યક્તિનો મૂડ નક્કી થાય છે. મૂડ સારો હોય તો વ્યક્તિનું આરોગ્ય પણ સુધરે છે. સારા મૂડથી કિશોરોમાં ડિપ્રેશન પણ આવતું નથી. ર્વોવિક યુનિર્વિસટી દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો હતો.
વિશ્વમાં ૩૫ કરોડ લોકો ડિપ્રેશનના રોગથી પીડાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ મુજબ આખા વિશ્વમાં ૩૫ કરોડ લોકો ડિપ્રેશનના રોગથી પીડાય છે અને તેની સીધી અસર લોકોનાં કામ તેમજ આરોગ્ય અને સામાજિક કાર્યો પર પડે છે જ્યારે સ્થિતિ વધુ ખરાબ થાય ત્યારે તે વ્યક્તિને આત્મહત્યા કરવા સુધી લઈ જાય છે.
મૂડ સામાજિક સંસર્ગ મુજબ બદલાતો રહે છે
મૂડ જુદા જુદા સમયે જુદાં જુદાં કારણોસર બદલાય છે, જેમાં મિત્રોનું નેટવર્ક મહત્ત્વનો ભાગ ભજવે છે. સારા મિત્રોને કારણે મૂડ સારો બને છે જ્યારે મિત્રો નટખટ કે તોફાની હોય તો મૂડ ખરાબ રહે છે. ક્યારેક મૂડને કારણે વ્યક્તિમાં નિઃસહાયતા અને નીરસતાનાં ગુણો જોવા મળે છે જે વ્યક્તિને ડિપ્રેશન તરફ લઈ જાય છે, જોકે તેનાથી અન્ય મિત્રો ડિપ્રેશનમાં સરી પડે તેવું બનતું નથી. લોકો સાથે સંસર્ગમાં આવવાથી વ્યક્તિએ વ્યક્તિએ મૂડ બદલાય છે. વ્યક્તિની લાગણીઓની તેના મૂડ પર અસર પડે છે.